સંયુક્ત રાષ્ટ્ર દ્વારા થોડાક દિવસ પહેલા જ ચેમ્પિયન ઓફ દ અર્થનો ટાઇટલ જીતી લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે વન વર્લ્ડ, વન સન અને વન ગ્રીડનો નારો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એવોર્ડ મળ્યા બાદ મોદી પર્યાવરણને લઇને ખુબ જ ગંભીર દેખાઈ રહ્યા છે. વિકાસની સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ માટે અસરકારક પગલા લેવાની તેઓએ અપીલ કરી હતી. ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટના ઉદ્ઘાટન માટે દહેરાદુન પહોંચેલા મોદીએ પોતાના સંબોધનમાં મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, અમારી સરકારે વર્ષ ૨૦૨૨ સુધી દેશમાં ૧૭૫ ગીગાવોટ અક્ષય ઉર્જાના નિર્માણ માટે ટાર્ગેટ રાખ્યું છે. દેશ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ગ્લોબલ લીડર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. મોદીએ કહ્યું હતું કે, આજે સમગ્ર દુનિયાના વિકાસમાં સંરક્ષણની સાથે સાથે પર્યાવરણ પણ જરૂરી છે. ભારત નેતૃત્વ કરવા માટે તૈયાર છે.
મોદીએ ઉત્તરાખંડમાં ઇન્વેસ્ટર્સ સમિટમાં કેટલીક મહત્વની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતના વિકાસમાં ઉત્તરાખંડની પણ ચાવીરુપ ભૂમિકા રહેલી છે.