પેટ્રોલ ૧૪ પૈસા- ડીઝલ ૩૧ પૈસા વધુ મોંઘુ બન્યું

976

પેટ્રોલ-ડીઝલના ભાવમાં રવિવારે ફરી વધારો નોંધાયો છે. દિલ્હી-મુંબઈમાં પેટ્રોલના ભાવ ૧૪ પૈસા વધ્યાં છે. દિલ્હીમાં પેટ્રોલ ૮૧.૮૨ રૂપિયા અને ડીઝલ ૨૯ પૈસાના વધારાની સાથે ૭૩.૫૩ રૂપિયાએ પહોંચ્યું છે. મુંબઈમાં પેટ્રોલ ૮૭.૨૯ રૂપિયા અને ડીઝલ ૩૧ પૈસા મોંઘુ થઈને ૭૭.૦૬ રૂપિયાએ પહોંચ્યું છે. મુંબઈમાં શનિવારે ડીઝલ ૭૦ પૈસા સસ્તું થયું હતું.

કેન્દ્ર સરકારે ગુરૂવારે પેટ્રોલ-ડીઝલ પર ૧.૫ રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી. ઓઈલ કંપનીઓને ૧ રૂપિયો અને રાજ્યોને ૨.૫ રૂપિયા ઘટાડવાનું કહેવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોએ કેન્દ્રની અપીલ પર રેટ ઘટાડ્યાં હતા. આ રીતે ત્યાંના ઉપભોક્તાઓને શુક્રવારે ૫ રૂપિયાની રાહત મળી હતી. પરંતુ દિલ્હીએ ભાવ ઘટાડ્યાં ન હતા, તેથી ત્યાં પેટ્રોલ-ડીઝલ માત્ર ૨.૫ રૂપિયા જ સસ્તું થયું હતું. ઓગસ્ટથી પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. ૪ ઓક્ટોબરે દિલ્હીમાં પેટ્રોલ ૮૪ અને મુંબઈમાં ૯૧.૩૪ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું હતું.

ક્રુ઼ડ ઓઈલના ભાવ વધવાથી ઓઈલ કંપનીઓ માટે આયાત મોંઘી થઈ હતી. ઈન્ટરનેશનલ માર્કેટમાં બ્રેંટ ક્રુડ ૮૬ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું. ડોલરની તુલનાએ રૂપિયામાં ઘટાડાથી ઓઈલ માર્કેટ કંપનીઓ પર દબાણ વધ્યું છે. રૂપિયો શુક્રવારે ૭૪થી નીચે ફસકી ગયો હતો. આ વર્ષે રૂપિયામાં ૧૬%નો ઘટાડો આવ્યો હતો.

Previous articleનક્સલવાદનો ટૂંક સમયમાં જ સફાયો કરાશે : રાજનાથ
Next articleમિગ-૨૯ યુદ્ધ વિમાન વધુ અપગ્રેડ : શક્તિમાં વધારો