રાજયની જેલમાં બંધ મહિલા કેદીઓ અને ઓપન જેલના કેદીઓ હવે વીડિયો કૉલના માધ્યમથી પરિવાર અને સગાંસંબંધી સાથે વાતચીત કરી શકશે, એમ રાજ્ય સરકારના જેલ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
દેશમાં પહેલી વાર જેલના કેદીઓ માટે આવી પહેલ કરવામાં આવી હોવાનો દાવો તેમણે કર્યો હતો. આ પહેલ હેઠળ ઓપન જેલ અને મહિલા જેલના કેદીઓ માટે સ્માર્ટ વીડિયો કોલિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
કેદી પાંચ મિનિટ માટે તેના પરિવાર સાથે વીડિયો કોલિંગ પર વાતચીત કરી શકે છે અને આ સુવિધાનો ઉપયોગ કરવા માટે તેમની પાસેથી પાંચ રૂપિયા વસૂલવામાં આવશે. અગાઉ પ્રાયોગિક ધોરણે પુણેની યેરવડા સેન્ટ્રલ જેલ ખાતે આ સુવિધા શરૂ કરવામાં આવી હતી અને હવે તેને રાજ્યભરની ઓપન જેલ અને મહિલા જેલમાં ચાલુ કરવામાં આવી છે. વીડિયો કોલિંગ માટે ‘સ્માર્ટ ફોન’નો ઉપયોગ કરવામાં આવે છે, જેને કેદીઓ માટેના કલ્યાણ ભંડોળમાંથી ખરીદવામાં આવ્યા છે.
વીડિયો કોલિંગ દરમિયાન કેદીઓની વાતચીત પર નજર રાખવામાં આવે છે, જેથી કરીને તેઓ એકબીજાના ખબર-અંતર તેમ જ પારિવારિક વાતચીત સિવાયની અન્ય ચર્ચા ન કરે તેની ખાતરી કરી શકાય. જેલના કેદીઓ પરિવાર સાથે ફોન પર વાતચીત કરી શકે તે માટે જેલની અંદર કોઇન બોકસ ફોન બેસાડવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ પર આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
રાજ્યમાં આવેલી કુલ ૫૪ જેલમાં ૨૮,૦૦૦ કેદી છે, જેમાં ગુનેગાર અને અન્ડરટ્રાયલનો સમાવેશ થાય છે. કુલ જેલ પૈકી ત્રણ ઓપન જેલ અને બે મહિલા માટેની જેલ છે.