૨૩ સિંહના મોતના મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યો અહેવાલ

618

રાજ્યમાં સિંહોની હાલત કફોડી બની છે. ગીર અભ્યારણ્યમાં ૧૧ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર દરમિયાન વિવિધ કારણોસર કુલ ૨૩ સિંહોનાં મોત થયા છે જે પછી અન્ય સિંહોને ચેપ ન લાગે તે કારણે રસિકરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકારે સિંહોના મોતના મામલે હાઇકોર્ટમાં અહેવાલ રજૂ કર્યો છે.

રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં પચાસ હજાર કૂવાઓ ખુલ્લા હતા. વનવિભાગે ૩૨ હજાર કુવાઓ ફરતે સુરક્ષા માટે દિવાલ બનાવી છે. બજી અન્ય બાકી ૧૭ હજાર ખુલ્લા કૂવા ઢાંકવામાં આવશે. કૂવાઓ ઢાંકવા માટે સરકાર સબસિડી પણ આપશે. એક કૂવાને ઢાંકવા માટે ૧૬ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે. સરકારે ખાનગી ખેતરોમાં આવેલા કૂવાઓને પણ ઢાંકવા સરકારે ખાતરી આપી છે. કલેક્ટર અને ડીડીઓ કુવા ઢાંકવા ખાસ ડ્રાઈવ ચલાવશે. નોંધનીય છે કે સિંહોના મોતના મામલે ગુજરાત હાઇકોર્ટે પણ ગંભીર નોંધ લીધી હતી અને રાજય સરકારની નિષ્ક્રિય અને ઉદાસીન વલણને લઇ હાઇકોર્ટે સરકારને જોરદાર ફટકાર લગાવી હતી. હાઇકોર્ટે આટલા બધા સિંહોના મોતમાં ભારે ચિંતા અને સંવેદના વ્યકત કર્યા હતા. જો કે, બીજીબાજુ, લાલઘૂમ થયેલી હાઇકોર્ટનો મિજાજ ઠારવા રાજય સરકાર તરફથી ખાતરીપૂર્વકની હૈયાધારણ આપવામાં આવી હતી કે, સિંહોના મોત મામલે સરકાર ખૂબ જ ગંભીર છે અને તેમના જતન અને રક્ષણ માટે કોઇપણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહી.

Previous articleસ્વાઈન ફલુનો કહેર યથાવત : વધુ કેસો મળી આવ્યા
Next articleમુખ્યમંત્રી રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨’નો પ્રારંભ કરાવશે