મુખ્યમંત્રી રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨’નો પ્રારંભ કરાવશે

1226

મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવાર તા.૯ ઓકટોબરે રાજ્યના ૨૬ જિલ્લાઓમાં મૂંગા પશુ-પક્ષી જીવોની સારવાર, ઇમરજન્સી સેવા અને ચિકિત્સા માટે ‘કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨’નો શુભારંભ કરાવશે. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૧ ના નર્મદા હોલમાં મંગળવારે સવારે ૧૦.૩૦ વાગ્યે યોજાનારા આ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયા તેમજ રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ પણ ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી આ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ને ફલેગ ઓફ આપી સંબંધિત જિલ્લાઓમાં પ્રસ્થાન કરાવશે. મુખ્યમંત્રીએ સંવેદનાસભર અભિગમ દર્શાવી મકરસંક્રાંતિ-ઉત્તરાયણ વેળાએ પતંગના દોરાથી ઘાયલ-ઇજાગ્રસ્ત થતાં પક્ષીઓની તત્કાલ સારવાર માટે ‘કરૂણા અભિયાન’ શરૂ કરાવ્યું હતું. આ અભિયાનને મળેલી વ્યાપક સફળતાને પગલે ૧૦૮ આપાતકાલિન સેવાઓ જેમજ કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ સેવાઓ અગ્રતાના ધોરણે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જિલ્લા અને મહાપાલિકા તથા મહેસાણા, પાલનપુર, ભાવનગર એમ કુલ ૧૧ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ સેવા ૨૦૧૭થી ઉપલબ્ધ બનાવી છે. આ સેવાઓ દ્વારા રર હજાર પશુ-પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ અબોલ પશુજીવોની સેવાના આ યજ્ઞને વધુ વ્યાપક ફલક આપવા પશુપાલન વિભાગને પ્રેરિત કર્યુ છે. તેના પગલે રાજ્યના ૨૬ જિલ્લાઓ આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, નડિયાદ, ગાંધીનગર, ગીર-સોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, મોરબી, કચ્છ, ડાંગ, વલસાડ, મહિસાગર, નવસારી તેમજ તાપી, ભરૂચ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર તથા નર્મદામાં આવતીકાલથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨નો પ્રારંભ કરવામાં આવશે.

Previous article૨૩ સિંહના મોતના મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યો અહેવાલ
Next articleનવરાત્રિ વેકેશન મુદ્દે ખાનગી શાળાઓ લડી લેવાના મૂડમાં