જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ અને મહિલા મંડળના સંયુક્ ઉપક્રમે ૩૮ મા વર્ષે પ્રાચીન ગરબીમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર બાળાઓને એવોર્ડ આપી સન્માન કરવામાં આવશે. રાજકોટ રૈયા રોડ ઉપર આ ગરબી મંડળ અગ્ર સ્થાન ધરાવે છે. સપરિવાર આવવાનું કલારસિકો પસંદ કરે છે. નવરાત્રિ મહોત્સવ સમિતિના શોભનાબેન ભાણવડિયા, અલ્કાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ, યોગીતાબેન જોબનપુત્રા, જયોતિબેન પુજારા, આશાબેન મજેઠીયા, ભારતીબેન ગંગદેવ, કુમારી માનસી માંડલીયાની દેખરેખ નીચે બેડા, દિવડા, ખંજરી, ટીપ્પણી, દાંડિયા સાથે સાડી રાસ ગરબીમાં વિવિધ નૃત્ય કલા પીરસવામાં આવશે. સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે છેલ્લા ૩૭ વર્ષમાં ગરબીમાં સમયનું શિસ્તબદ્ધ પાલન કરવામાં આવે છે. ૧૦ મી ઓકટોબર થી ૧૮ મી ઓકટોબર સુધી દરરોજ રાત્રિના ૯ થી ૧૧-૪પ સુધી જ બાળાઓનાં વિવિધ રાસ-ગરબા રજૂ કરવામાં આવે છે. બાળાઓના સગાસંબંધી, નાગરિકો માટે બેસવાની ખાસ સુવિધા રાખવામાં આવી છે.