બરવાળાના કુંડળ ગામની નર્મદા કેનાલમાં પડી જતા યુવાનનું મોત

683

બરવાળા તાલુકાના કુંડળ ગામ પાસેથી પસાર થતી નર્મદા મહિપરીએજની લીંબડી-વલ્લભીપુર બ્રાંચ કેનાલમાં ખેતરમાં સિંચાઈ માટે પાણીની લાઈન સરખી કરવા જતા કેનાલ ઉપરથી પગ લપસી જતા યુવાન કેનાલના પાણીમાં ગરકાવ થઈ જતા તરવૈયા,પોલીસ સ્ટાફ તેમજ ફાયર ફાયટરની ટીમ ધ્વારા બે કલાકની ભારે જહેમત બાદ યુવાનની લાશ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

આ અંગે મળતી વિગત અનુસાર બરવાળા તાલુકાના કુંડળ ગામ પાસેથી પસાર થતી નર્મદા મહિપરીએજ લીંબડી-વલ્લભીપુર બ્રાંચ કેનાલ ઉપર તા.૦૮ના રોજ સવારના ૧૦ઃ૦૦ વાગ્યાના અરસામાં કુંડળ ગામના નરશીભાઈ જીવાભાઈ રાણવા ઉ.વ.૩૮ પોતાના ખેતરમાં સિંચાઈ માટે ખેતરોમાં વાવેતર કરેલા પાક માટે સિંચાઈ માટે મશીન તેમજ પાણીની લાઈન સરખી કરતા સમયે કેનાલ ઉપરથી પગ લપસી જતા યુવાન નર્મદા કેનાલના પાણીમાં ગરકાવ થઈ જતા કરૂણ મોત નિપજયુ હતુ ગરકાવ થયેલા યુવાનને આજુબાજુ ખેડુતો, તરવૈયાઓ, બરવાળા નગરપાલિકાના ફાયર ફાયટર સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ સહિતના લોકો યુવાનને બચાવ કામગીરીમાં જોડાયા હતા.પાણીમાં ગરકાવ થયેલ યુવાનને બે-ત્રણ કલાકની જહેમત બાદ લાશને નર્મદા કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.આ બનાવના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા ઘટના સ્થળે ગ્રામજનો,કુંટુંબીજનોના મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.આ બનાવ બનતા કુંડળ ગામમાં ગમગીની સાથે માતમ છવાઈ ગયો હતો.

આ બનાવ અંગે બરવાળા પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ એચ.એચ. વીરગામાએ હાથ ધરી છે.જયારે મૃતક યુવાનનું પી.એમ. બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરાવવામાં આવ્યુ હતુ.

Previous articleરાણપુરના સરપંચ સહિત સભ્યોએ પાણી પ્રશ્ને કલેકટરને આવેદન આપ્યું
Next articleશિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વયની ૮૪મી રાજય ગોષ્ઠી ભાણવડમાં યોજાઈ