સમગ્ર ગુજરાતી પ્રજાજનોનું માનીતું પર્વ અને દર વર્ષ એક માસ અગાઉથી જેની તૈયારીઓ શરૂ થઈ જાય છે એવા નવરાત્રિ પર્વની તડામાર તૈયારીઓને અંતિમ આકાર આપવામાં આવી રહ્યો છે. માં જગતજનની જગદંબાની પરમ આરાધના ભક્તિનું અનોખા પર્વ નવરાત્રિમાં ૬૪ પૈકી મુખ્ય નવ દેવીઓની અલગ-અલગ સ્વરૂપે પૂજા-ઉપાસના તથા વ્રત અનુષ્ઠાન વડે પામર મનુષ્ય પોતાની જાતને ધન્ય કરે છે. હાલ ભાવનગર શહેર-જિલ્લામાં નવરાત્રિ શરૂ થવાના એક દિવસ પૂર્વે જાહેર સ્થળે યોજાતા રાસ ગરબાના કાર્યક્રમોમાં સમગ્ર તૈયારીઓ પૂર્ણતાના આરા પર છે. શહેરમાં જાહેર સર્કલો પર સ્ટેજ, મંડપ, રોશની, તોરણ સહિતની વસ્તુઓ દ્વારા શણગારવામાં આવી રહ્યાં છે તો બીજી તરફ નવ દિવસના અનુષ્ઠાન અર્થે માતાના આકર્ષક ગરબાઓ, ચુંદડીઓ, અગરબત્તી, ધૂપ સહિતના વેચાણ અર્થે ઠેર-ઠેર શમીયાણાઓ ઉભા કરવામાં આવ્યા છે તો યુવા વર્ગ ગરબે રમવા થનગની રહ્યું છે.