બ્રહ્મોસ મિસાઈલ યુનિટમાં કામ કરી રહેલ ISI એજન્ટની કરાયેલી ધરપકડ

824

સુરક્ષાના મામલે ભારતીય એજન્સીઓને આજે મોટી સફળતા મળી છે. ઉત્તરપ્રદેશ ATS દ્વારા મહારાષ્ટ્રના નાગપુરથી DRDOના એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. જેની ઓળખ નિશાંત અગ્રવાલ તરીકે કરવામાં આવી છે. DRDOના આ કર્મચારી ઉપર સુરક્ષા સંબંધી માહિતીઓને પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIને આપવાનો આરોપ છે. નિશાંત અગ્રવાલ પર ભારતના અતિ મહત્વપૂર્ણ મિસાઈલ બ્રમ્હોસ સાથે જોડાયેલી માહિતી પાકિસ્તાન અને અમેરિકા સાથે શેર કરવાનો આરોપ છે.

આપને જણાવી દઈએ કે, નાગપુરમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનની (DRDO) બ્રમ્હોસ યૂનિટમાં નિશાંત અગ્રવાલ કાર્યરત હતા. આજે સવારે જ અહીં ઉત્તરપ્રદેશ ATS અને ઈન્ટેલિજન્સ મિલિટરી દિલ્હી દ્વારા રેડ કરવામાં આવી હતી.નિશાંત અગ્રવાલ પર આરોપ છે કે, તેણે બ્રમ્હોસ મિસાઈલ સાથે જોડાયેલી ટેકનિકલ માહિતી અમેરિકા અને પાકિસ્તાનની એજન્સીઓ સાથે શેર કરી છે. નિશાંત અગ્રવાલ ઉત્તરાખંડનો રહેવાસી છે અને છેલ્લા ચાર વર્ષથી DRDOની નાગપુર યૂનિટમાં કાર્યરત હતા.આ સંદર્ભમાં આ પહેલાં ગતરોજ ઉત્તરપ્રદેશ ATS દ્વારા કાનપુરથી શંકાના આધારે એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.  જોકે તેની પાસેથી કંઈ જ વાંધાજનક મળ્યું નહતું. પ્રાપ્ત થી માહિતી મુજબ આરોપી દિલ્હી સ્થિત CIA (અમેરિકાની જાસૂસી સંસ્થા)ની એજન્ટ અને પાકિસ્તાનના હેન્ડલરના સંપર્કમાં હતો. તે મિસાઈલ ટેકનીકની જાણકારીઓ મોકલવા માટે સોશિયલ મીડિયાના ઈન્ક્રિપ્ટેડ, કોડવર્ડ અને ગેમના ચેટ ઝોનનો ઉપયોગ કરતો હતો. સેનાના વરિષ્ઠ અધિકારી પણ આ મામલે નજર રાખી રહ્યાં હતા. પૂછપરછમાં ખ્યાલ આવી રહ્યો છે કે આરોપીએ મિસાઈલ સાથે જોડાયેલી કઈ કઈ સુચનાઓ લીક કરી છે.

Previous articleડોલરની સામે રૂપિયો પ્રથમ વખત ૭૪.૦૬ની સપાટીએ
Next article૧૩ વર્ષ બાદ સ્થાનિક ચૂંટણી માટે ઉત્સાહની વચ્ચે મતદાન