બંગાળની ખાડીમાં ઓછા દબાણના કારણે સર્જાયેલું ‘તિતલી’ તોફાન ઓડિશા અને આંધ્ર પ્રદેશના કિનારા તરફ વધી રહ્યું છે. હવામાન વિભાગે આ બંન્ને રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઓડિશા સરકારે બુધવારથી ચાર દિવસ સ્કૂલ કોલેજ બંધ કરવાનો આદેશ આપ્યો છે.
તોફાનના કારણે ભારે વરસાદની સાથે 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી તેજ હવાઓ ચાલશે. હવામાન વિભાગે 24 કલાક દરમિયાન આ વધારે સક્રિય થશે તેવી ચેતાવણી આપી છે. તોફાન તિતલીનું કેન્દ્ર ગોપાલપુરથી 510 કિમી દૂર દક્ષિણપૂર્વમાં સ્થિત છે.
હવામાન વિભાગે જારી કરેલી એડવાઇઝરમાં જણાવ્યું કે તિતલીને કારણે 10-11 ઓક્ટોબરે આંધ્ર-ઓરિસ્સામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે દરિયા કિનારા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપી છે.હવામાન વિભાગ પ્રમાણે અરબી સમુદ્રમાં હવાના ઓછા દબાણના કારણે સર્જાયેલા ભીષણ વાવાઝોડાને લીધે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસી શકે છે. આગામી ત્રણ દિવસમાં લોબાન નામનું વાવાઝોડું દક્ષિણ ઓમાન અને યમન કોસ્ટ તરફ ફંટાવાની શક્યતા છે અને તેને કારણે તામિલનાડુ, પોંડિચેરી અને લક્ષ્યદ્વીપ જેવા રાજ્યોમાં પણ વરસાદ પડી શકે છે.