આગામી વિધાનસભા ચૂંટણી દરમ્યાન કેટલાક અસામાજીક તત્વો દ્વારા ઈંગ્લીશ દારૂની મોટા પાયે હેરાફેરી કરાય તો તેને રોકવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા ક્રાઈમ બ્રન્ચને સૂચનાઓ આપવામાં આવી હતી કે રાત્રી દરમ્યાન સધન ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધરવાનું કહેવામાં આવ્યું હતું.ક્રાઈમબ્રાન્ચે તેમને મળેલી સૂચનાઓ અંતર્ગત કડક કાર્યવાહી શરૂ કરી હતી. દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસને માહિતી મળી કે એક ટ્રક અને એક મારૂતિ અર્ટીગા કાર મોટા જથ્થામાં દારૂ ભરી આ રોડ પરથી પસાર થવાની છે. પોલીસે ઈન્ફર્મેશન મળતા જ પોતાની બાંયો ચઢાવી લીધી હતી.
પોલીસને માહિતી મળી હતી કે આ વાહનો મહુડીથી ગાંધીનગર તરફ આવી રહ્યા છે.પોલીસે પીપળજ પાટીયા પાસે વોચ ગોઠવી દીધી અને તે પછી મળેલી માહિતીને આધારે તે જ નંબર પ્લેટ ધરાવતી ટ્રક ત્યાંથી પસાર થતાં તેને રોકી લીધી હતી. પોલીસે ચાલકનું પહેલા નામ પુછ્યું તેણે કહ્યું તે કુલદિપસિંગ શર્મા છે અને પંજાબ રહે છે. તેની સાથેનો ક્લિનર એક કિશોર હતો. પોલીસે તેની ટ્રક તપાસી તો તેમાં કોસ્મેટીક્સની વસ્તુઓ જેવી કે, કોલ્ડ ક્રીમ, શેમ્પુ, સાબુ, ઉપરાંત ચા, ડીશવોશનું લીકવીડ વગેરે હતું. પોલીસે તો પણ પોતાની માહિતી પર ભરોસો રાખી સધન તપાસ કરતાં આવી ચીજ વસ્તુઓની આડમાં ઈંગલીશ દારૂની બોટલો જોવા મળી.
પોલીસે ગણતરી કરી તો કુલ ૧,૦૩,૯૫૬ નંગ દારૂની બોટલ હતી જેની કિંમત રૂ. ૧૦,૩૧,૪૦૦ હતી પોલીસે કોસ્મેટીક્સનો સામાન રૂ. ૧૫,૫૫,૯૦૦ સહિત દારૂનો સામાન મળી તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો. બીજી બાજુ હજુ આ કામગીરી ચાલુ હતી ત્યાં તો અર્ટીગા કાર ત્યાં આવી ચઢી પોલીસે તેને પણ ઊભી રાખી અને પુછપરછ કરતાં ખબર પડી કે, ચાલક ચંદ્રપ્રકાશ જોશી છે (રહે. રાજસ્થાન) બીજા મુસાફરોમાં રવિન્દ્ર જાટ (હરિયાણા), યશપાલ જાટ (રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું. આ કારમાં તપાસ કરી તો પોલીસને ૨૬,૪૦૦નો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આ કામગીરી દરમ્યાન કુલ રૂ.૧૦,૫૭,૮૦૦નો દારૂ, ટ્રક, કાર, મોબાઈલ ફોન અને કોસ્મેટીક્સના સામાન સાથે મળી કુલ રૂ. ૪૬,૨૦,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આ સંદર્ભે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.