ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણને સુપ્રીમ કોર્ટના ચુકાદામાં જાસૂસીના આરોપથી મુક્ત કરાયા બાદ કેરળના મુખ્યમંત્રી પિનરઇ વિજયને વળતર તરીકે ૫૦ લાખ રૂપિયા આપ્યા છે. કાર્યક્રમ દરમિયાન સીએમએ જણાવ્યું કે, જે લોકોએ નંબી વિરુદ્ધ ષડયંત્ર ઘડ્યું હતું તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. તેમણે જણાવ્યું કે, જે અધિકારીઓએ નંબી પર ટોર્ચર કર્યું હતું તેમની જવાબદારી નક્કી કરાશે અને સરકાર કાયદાકીય માર્ગ અપનાવવાની વિચારણા કરી રહી છે.
તેમણે જણાવ્યું કે, સુપ્રીમના આદેશ પ્રમાણે નંબીના એકાઉન્ટમાં ૫૦ લાખ રૂપિયાનું વળતર પેટે જમા કરાવાયા છે. તેમના સમ્માન માટે સરકારે કાર્યક્રમ આયોજીત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, નંબીએ અપમાન અને ટોર્ચર સહન કરવા બાદ સમ્માન કરવું એ સૌથી ઉત્તમ માર્ગ છે. સીએમએ જણાવ્યું કે, નંબીએ અત્યંત સાહસ ,ઇચ્છાશક્તિ અને ત્યાગ દ્વારા લડત આપી છે. ત્યાંજ નંબીએ જણાવ્યું કે, વિજયન એકલા એવા સીએમ છે જેમણે જાસૂસી કેસને ખોટો ઠેરાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, ૨૪ વર્ષ અગાઉ પોલીસ મારા ઘરે આવી હતી તેમણે જણાવ્યું કે ડીઆઇજી બોલાવે છે તેમ કહીને મને ઉઠાવી ગયા હતા. ત્યાર બાદ ખોટા આરોપસર મને જેલમાં રાખ્યો અને મારા પર અત્યાચાર ગુજારાયો હતો.