ગાંધીનગર તાલુકામાંથી જ સ્વાઇનફ્લૂના સળંગ ચાર પોઝિટિવ કેસ મળી આવ્યા બાદ કલોલ,દહેગામ અને માણસામાં પણ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જે અંતર્ગત અત્યાર સુધી છ દર્દીઓએ સ્વાઇનફ્લૂના કારણે જીવ ગુમાવ્યો હતો જેમાં આજે એક દર્દીનો વધારો થયો છે.
કલોલ તાલુકાના બાલવા ગામના એક વ્યક્તિ મોત નિપજ્યું છે તો બીજીબાજુ અત્યાર સુધી શહેર-જિલ્લામાં કુલ ૩૩ એચવનએનવન પોઝિટિવ દર્દીઓ સરકારી ચોપડે નોંધાઇ ગયા છે. ત્યારે આગામી દિવસમાં આ ચેપી રોગચાળો વધુ ઘાતક બનશે તેમ નિષ્ણાંતોનું માનવું છે. ચોમાસાના વાદળો હટવાની સાથે જ સ્વાઇનફ્લૂના એચવનએનવન વાયરસ ફરી સક્રિય થયા છે આ અતિચેપી વાયરસ દિવસેને દિવસે ઘાતક બની રહ્યા છે. જેને લઇને અમદાવાદ સહિત તમામ મેટ્રો સીટીમાં મૃત્યુઆંક વધી રહ્યા છે જેને લઇને આરોગ્ય તંત્ર પણ ચિંતિત છે તેવી સ્થિતિમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ દિવસેને દિવસે સ્વાઇનફ્લૂના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે.
જેને લઇને ગાંધીનગર આરોગ્ય તંત્ર પણ સજ્જ થઇ ગયું છે અને સિવિલ હોસ્પિટલ સહિત તમામ આરોગ્ય કેન્દ્રો તથા ખાનગી હોસ્પિટલોને પણ સતર્ક કરી દેવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૩ પોઝિટિવ કેસ નોંધાઇ ગયા છે.જ્યારે ગાંધીનગર શહેરીવિસ્તારમાં પણ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અત્યાર સુધી છ મોત નોંધાયા હતા જેમાં આજે એકનો વધારો થવાને કારણે જિલ્લામાં મૃત્યુઆંક વધીને સાત સુધી પહોંચ્યો છે. આ અંગે આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, કલોલ તાલુકાના બાલવા ગામમાં પણ સ્વાઇનફલૂનો કહેર મચ્યો છે. ત્યારે પોઝિટિવ નોંધાયેલા દર્દીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. ત્યારે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં ૩૩ એચવનએચવન રીપોર્ટ પોઝિટિવ નોંધાયાં છે.