ગોહિલવાડના પ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે આસો સુદ નવરાત્રી મહોત્સવની શાસ્ત્રોક્ત ઉજવણીનો બુધવાર સવારથી પ્રારંભ કરાયો હતો. પ્રથમ દિવસે નિજ મંદિરમાંથી માતાજીની આંગી-ગરબી વાજતે ગાજતે પુરા માન સન્માન સાથે માણેકચોકમાં પધરાવાઇ હતી અહીં માતાજીની સમક્ષ દરરોજ ધાર્મિક, ઐતિહાસિક નાટક,ભવાઈ રજૂ કરી નવરાત્રીના જાગ કરાશે.
માઁ બહુચરાજીનું ભંડારિયાનું સ્થાનક લાખો ભાવિકો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે ત્યારે નવરાત્રી મહોત્સવના પ્રારંભથી જ અહીં ભાવિકોનો પ્રવાહ વ્હેવાનો શરૂ થયો છે. ભૂંગળના મધુર સુર સાથેની માતાજીની સાયં આરતી દરરોજ રાત્રીના ૭.૫૦ કલાકે ભવ્ય રીતે કરવામાં આવે છે જેનો લ્હાવો લેવા જેવો હોય છે ત્યારે મોટી સંખ્યામાં યાત્રિકો પણ તેમાં સામેલ થતા હોય છે. ભંડારિયામાં અષ્ટમીનો હવન તારીખ ૧૭ને બુધવારે સવારે ૯થી સાંજના ૫ સુધી યોજાશે અને રાત્રે માતાજીનો સ્વાંગ શોભશે.