જીવનનો મહિમા કરે તે ભજન બ્રહ્મ છે : મોરારિબાપુ

1121
bvn8112017-1.jpg

ચિત્રકુટધામ-તલગાજરડા ખાતે યોજાયેલ સંતવાણી પદક સન્માન કાર્યક્રમમાં મોરારિબાપુએ કહ્યું કે, ભજન જેવું બિનસાંપ્રદાયિક કશું જ નથી. રાત્રે અહીં સંતવાણી ભજનની જમાવટ થઈ હતી.
મોરારિબાપુ દ્વારા છેલ્લા દસ વર્ષથી ગુજરાતના પ્રાચીન ભજન સાહિત્ય-સંતવાણીના ગાયકો અને વાદકોનો સંતવાણી પદક વડે સન્માનવામાં આવે છે. જે સંદર્ભે સોમવારે ચિત્રકુટધામ-તલગાજરડા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સંતવાણીના આદિસર્જક અખો-અખાભગતની વંદના કરાઈ હતી. જે સન્માન અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળ પ્રમુખ શશીકાન્તભાઈ પાટડીયાએ સ્વીકાર્યુ હતું. ભજનિક તરીકે નિરંજનભાઈ પંડયા, વાદ્યસંગત તબલા માટે સાધુ મુળદાસ નારણદાસ રાઠોડ, વાદ્યસંગત બેન્જો માટે રાજુભાઈ ધરમશીભાઈ કાવડીયા તથા વાદ્યસંગત મંજીરા માટે પૂનશીભાઈ ગઢવી સન્માનિત થયા હતા.
સંતવાણી સન્માન કાર્યક્રમમાં મોરારિબાપુએ કહ્યું કે, જીવનનો મહિમા કરે તે ભજન બ્રહ્મ છે. ભજન જેવું બિનસાંપ્રદાયિક કશું જ નથી. બ્રહ્મ અને ભજન બન્ને શૂન્યમાં પણ શૂન્ય છે અને પૂર્ણમાં પણ પૂર્ણ છે. બ્રહ્મના તમામ લક્ષણો ભજનમાં છે તેમ કહી તેઓએ ઉમેર્યુ કે બધી જ વિઘાઓમાં ભજનનું મુળ તત્વ હોવું જોઈએ.
મોરારિબાપુએ લાગણી સાથે જણાવ્યું કે, સર્વત્ર વ્યાસપીઠની પૂજા વંદના થતી હોય છે ત્યારે માટે આ સન્માન કરવાનું એ સૌને વંદના કરવાનું બહાનું છે. બપોરે ભજન વિચાર સંગોષ્ઠીમાં દલપત પઢીયારના સંયોજન તળે છેલભાઈ વ્યાસ દ્વારા સંતવાણીના સર્જક અખા ભગત, નિરંજન રાજ્યગુરૂ દ્વારા ભજન સ્વરૂપ વિચાર-ચુંદડી ભજનો અને જશુપુરી ગોસ્વામી દ્વારા ગુજરાતી સંત સાહિત્યની પૃષ્ઠ ભુમિકા વિષય પર ઉદ્દબોધન વિચારો રજૂ થયેલ.
હરિશ્ચંદ્ર જોશીના સંકલન સાથેના આ સંતવાણી કાર્યક્રમમાં રાત્રે સન્માનિત ભજન આરાધકો તેમજ સુપ્રસિધ્ધ ભજનીક ગાયકો દ્વારા રાત્રે સંતવાણી ભજનની જમાવટ થઈ હતી. આ કાર્યક્રમમાં ગુજરાતી ભજન મર્મીઓ, સાધકો, આરાધકો અને સંતવાણી પ્રેમીઓની ઉપસ્થિતિ રહી હતી.ુ

Previous articleચોરાઉ મોટરસાયકલ સાથે શખ્સને ઝડપી લેતી પોલીસ
Next articleચોરાઉ વાહન સાથે બે સગીરોને ઝડપી લીધા