ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં આજે વહેલી પરોઢે ન્યુ ફરક્કા એક્સપ્રેસ ટ્રેનના છ બોગી પાટા પરથી ખડી પડતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થઇ ગયા હતા અને ૩૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકો પૈકી નવની હાલત ખુબ ગંભીર જણાવવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટના રાયબરેલીના હરચંદપુર સ્ટેશન નજીક બની હતી. મૃત્યુ પામેલા લોોમાં એક મહિલા અને એક બાળક પણ સામેલ છે. બચાવ અને રાહત કામગીરીમાં સ્થાનિક લોકોની સાથે પોલીસ અને રાહત ટીમ પણ જોડાઇ હતી. આજે સવારે હરચંદપુરથી આશરે ૫૦ મીટરના અંતરે સ્થિત વિસ્તારમાં ન્યુ ફરક્કા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડી હતી. જેના કારણે ભારે અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. લોકો બુમો પાડતા ચારેબાજુ ભાગતા નજરે પડ્યા હતા. આસપાસના લોકો તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા હતા. આ ટ્રેન માલદાથી રાયબરેલી થઇને દિલ્હી જઇ રહી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરીને તપાસના આદેશ જારી કર્યા છે. સાથે સાથે બચાવ અને રાહત કામગીરીને ઝડપી કરવા માટે પણ આદેશ જારી કર્યા છે.
રાયબરેલીમાં ટ્રેન અકસ્માતના મામલે મૃતકોના પરિવારના સભ્યોને વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. યોગી આદિત્યનાથે કહ્યુ છે કે મૃતકોના પરિવારના સભ્યોને બે બે લાખ રૂપિયા આપવામાં આવનાર છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોના પરિવારને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. લખનૌ અને વારાણસીથી એનડીઆરએફની ટીમ પણ પહોંચી ચુકી છે. સ્થાનિક પોલીસ અને એમ્બુલન્સ પણ પહોંચી ચુકી છે. રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાની પણ ઘટનાસ્થળે જવા માટે રવાના થયા છે.દેશના નિયમત ગાળામાં ટ્રેન અકસ્માતો થતા રહે છે. હાલના વર્ષોમાં અનેક મોટી ટ્રેન દુર્ઘટના થઇ ચુકી છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં સુવિધાને સુધારી દેવાના પ્રયાસો મોટા પાયે કરવામાં આવ્યા છે અને તેનો લાભ પણ યાત્રીઓને થઇ રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં હજુ પણ વધારે ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે ટ્રેનના ટ્રેકના સંબંધમાં હમેંશા પ્રશ્નો થતા રહે છે.