આમ્રપાલી ગ્રુપની નવ પ્રોપર્ટી સીલ કરવાના આદેશ કરાયા

1131

સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપની નોઇડા અને ગ્રેટર નોઇડા સ્થિત સાત પ્રોપર્ટીને સીલ કરવાનો આજે આદેશ કરતા ખળભળાટ મચી ગયો હતો. આ જગ્યા પર જ તેમની ૪૬ ગ્રુપ કંપનીઓના દસ્તાવેજ મુકવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે આ ઉપરાંત બિહારના રાજગીર અને બક્સર સ્થિત બે પ્રોપર્ટીને પણ સીલ કરવાના આદેશ જારી કરી દીધા છે.

આ પ્રોપર્ટીની ચાવી સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારની પાસે રાખવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટે તમામ ૪૬ કંપનીઓના દસ્તાવેજ ફોરેન્સિક ઓડિટર્સને આપવાના પણ આદેશ કર્યા છે. જ્યાં સુધી સાત પ્રોપર્ટી સીલ કરવામાં આવશે નહીં ત્યાં સુધી વિવિધ પગલા લેવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ્રપાલી ગ્રુપ દ્વારા દસ્તાવેજ જમા કરવાને લઇને કરવામાં આવી રહેલી બેદરકારીને લઇને સુપ્રીમ કોર્ટ ભારે લાલઘૂમ છે. ગઇકાલે મંગળવારના દિવસે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આમ્રપાલી ગ્રુપના ત્રણ ડિરેક્ટરોને પોલીસે પોતાની કસ્ટડીમાં લઇ લીધા હતા. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, દસ્તાવેજો જમા કરવામાં ન આવે ત્યાં સુધી ત્રણેય ડિરેક્ટરો પોલીસની કસ્ટડીમાં રહેશે. આમ્રપાલી રિયલ એસ્ટેટ ગ્રુપના ડિરેક્ટરો અનિલકુમાર શર્મા, શિવપ્રિયા, અજયકુમારને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. આમ્રપાલી ગ્રુપના બાકી રહેલા પ્રોજેક્ટોના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં રોકાણકારોના પૈસા અટવાઈ પડ્યા છે.  આ પહેલા કોર્ટે રિયલ એસ્ટેટ કંપની તરફથી રજૂ કરવામાં આવેલા વકીલને પ્રશ્ન કર્યો હતો કે, ફોરેન્સિક ઓડિટ સાથે સંબંધિત દસ્તાવેજોને હજુ સુધી ઓડિટરોની પાસે કેમ જમા કરવામાં આવ્યા નથી. આ પહેલા સુપ્રીમ કોર્ટે ડીઆરટીને આમ્રપાલની ૧૬ સંપત્તિઓની હરાજી કરવા અથવા તો વેચાણ કરવા માટેનો આદેશ કર્યો હતો. એવો અંદાજ મુકવામાં આવ્યો હતો કે, સંપત્તિના વેચાણથી ૧૬૦૦ કરોડ રૂપિયા એકત્રિત થઇ શકે છે. કોર્ટે કહ્યું હતું કે, કઇરીતે રકમનો ઉપયોગ કરવામાં આવે અને બાકી પ્રોજેક્ટોને કઇરીતે પૂર્ણ કરવામાં આવે તે અંગે યોગ્યરીતે નિર્ણય લેવામાં આવશે. કોર્ટે આમ્રપાલીના ડિરેક્ટરોને તમામ સંબંધિત દસ્તાવેજોને ડીઆરટીને આપવા માટે આદેશ કર્યો હતો. બીજી બાજુ ત્રણ ડિરેક્ટરો દ્વારા સુપ્રીમ કોર્ટની બેંચ સમક્ષ અરજી દાખલ કરવામાં આવી છે જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, આ લોકો તમામ દસ્તાવેજો સોંપી દેવા માટે તૈયાર છે પરંતુ પોલીસને કયા દસ્તાવેજોને જપ્ત કરવાની જરૂર છે તે અંગે માહિતી નથી. કોર્ટના આદેશ ત્રણ ડિરેક્ટરોને પોલીસ કસ્ટડીમાં લઇ લેવાના આદેશ બાદ આજે કોર્ટનો આ આદેશ આવ્યો હતો. બીજી બાજુ ડિરેક્ટરોએ બેંચને એમ પણ કહ્યું છે કે, આમ્રપાલીની ૪૬ ગ્રુપ કંપનીઓ સાથે સંબંધિત દસ્તાવેજો સાત સ્થળોએ રાખવામાં આવ્યા છે.

Previous articleશૂઝ પહેરીને પોલીસ કર્મચારી જગન્નાથ મંદિરમાં પ્રવેશ ન કરે
Next articleકાશ્મીર : સઘન સુરક્ષા વચ્ચે સ્થાનિક ચૂંટણી માટે મતદાન