દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો સ્પિન બોલર રહેલ શેન વોર્ન હાલમાં ખુબ ચર્ચામાં છે. પોતાની આત્મકથા ‘નો સ્પિન’ ને લઇ તેને ઘણા ખુલાસાઓ કર્યા છે, જે હવે ચર્ચામાં છે. પરંતુ હાલમાં જ વોર્ને માસ્ટર બ્લાસ્ટર અને પોતાના ખાસ પ્રતિસ્પર્ધિ સચિન ટેંડુલકર વિશે એક અનોખી વાત કહી છે. વોર્ને કહ્યું કે, જો તે પોતાની જિંદગી ખાતર કોઇને બેટિંગ કરતા જોવા ઇચ્છશે તો તે સચિન જ હશે.
વોર્ને પોતાની આત્મકથા ‘નો સ્પિન’ વિશે વાત કરતા એક ન્યૂઝ ચેનલને કહ્યું,”સચિન ટેંડુલકર અને બ્રાયન લારા અમારી પેઢી, મારા સમયના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન હતાં. જો ટેસ્ટ સિરીઝના અંતિમ દિવસે સદી ફટકારવા માટે કોઇ બેટ્સમેનની પસંદગી કરવાની હોય તો હું લારાને મોકલીશ. પરંતુ જો મારે મારી જિંદગી ખાતર કોઇ બેટ્સમેનને બેટિંગ કરવા મોકલવાનો થયો તો હું સચિનની પસંદગી કરીશ જે સૌથી શ્રેષ્ઠ છે.”
તમને જણાવી દઇએ કે, વર્ષ ૧૯૯૮મા શારજાહમાં ત્રણ દેશોની ટૂર્નામેન્ટમાં આ ઓસ્ટ્રેલિયાઇ મહાન બોલરને ઝુડી નાંખ્યો હતો, જેના પછી શેન વોર્ને કહ્યું હતું કે મને રાત્રે ઉંઘમાં સચિનનાં સપના આવે છે. જોકે, ૨૦૧૦માં આ ઓસ્ટ્રેલિયાઇ ખેલાડીએ કહ્યું કે, તેમણે આ વાત મજાકમાં કહી હતી.