ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, યુવા ક્રિકેટર પૃથ્વી શોની કોઈ અન્ય ક્રિકેટર સાથે તુલના ન થવી જોઈએ અને તેને એક ક્રિકેટરના રૂપમાં વિકસિત થવા દેવો જોઈએ. શોએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રાજકોટમાં પોતાના પર્દાપણ મેચમાં ૧૩૪ રન બનાવ્યા, ત્યારબાગ તેની સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ સાથે તુલના થવા લાગી હતી.
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા પત્રકાર પરિષદમાં કોહલીએ કહ્યું, મને નથી લાગતું કે તેને લઈને હજુ કોઈ નિર્ણય પર પહોંચી જવું જોઈએ. તમારે આ યુવા ખેલાડીને પોતાની ક્ષમતા અનુસાર આગળ વધવા માટે પર્યાપ્ત સ્થાન આપવું જોઈએ. તે ખૂબ પ્રતિભાશાળી છે અને દરેકે જોયું કે તે કૌશલ્યથી પરિપૂર્ણ છે.
તેણે કહ્યું, અમે નિશ્ચિત રૂપે ઈચ્છીએ કે તેણે પ્રથમ મેચમાં જે પ્રદર્શન કર્યું તેનું પુનરાવર્તન કરે. તે શિખવા માટે ઈચ્છુક છે અને ઝડપી છે. તે પરિસ્થિતિનો સારી રીતે અભ્યાસ કરે છે. અમે બધા તેના માટે ખુશ છીએ.
કોહલીએ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર સાથે પણ સહમતિ વ્યક્ત કરી, જેણે બુધવારે કહ્યું હતું કે લોકોએ પૃથ્વીની તુલના વીરૂ સાથે ન કરવી જોઈએ.