સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ સ્થળે અધિકારીઓની મુલાકાતનો ધમધમાટ, પૂર્વ તૈયારીઓ અંતિમ ચરણમાં

1291

નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની સરદાર પટેલની પ્રતિમાનું આગામી ૩૧મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થશે. ત્યારે લોકાર્પણ સમારોહની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી.

જેમાં ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સીંઘ, નર્મદા અને જળસંપત્તિ તેમજ પંચાયત વિભાગના અગ્ર સચિવ એ.કે. રાકેશ, ગુજરાતના પ્રવાસન વિકાસ વિભાગના અગ્ર સચિવ અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદર, ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ.બી. વસાવાએ મુલાકાત લઇ ચાલુ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર એસ.એસ.રાઠોર પણ જોડાયાં હતાં.

વરિષ્ઠ સચિવઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મેમોરીયલ અને વિઝીટર્સ સેન્ટરમાં થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાનના ૩૧મી ઓક્ટોબરે લોકાર્પણ સમારોહ માટેના પ્રાથમિક સૂચિત કાર્યક્રમના સ્થળની મુલાકાત-નિરીક્ષણ કરી કાર્યક્રમના સ્વરૂપ અંગેની પ્રાથમિક ચર્ચા કરી હતી. ઉપરાંત કેવડીયા કોલોની ખાતે ઉક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો માટેની સુવિધા ઉપરાંત અન્ય આનુષાંગિક સુવિધા ઉભી કરવા અંગે પણ સ્થળ ઉપર જરૂરી વિચાર-વિમર્શ કર્યો હતો.

ઉચ્ચ અધિકારીઓની આ ટીમે કેવડીયા ડેમ સાઇટ ખાતે આકાર પામી રહેલી નર્મદા ટેન્ટ સીટીના સ્થળની પણ મુલાકાત લઇ ત્યાં થઇ રહેલી કામગીરીનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું. પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસ.જે. હૈદરે આ ટેન્ટ સીટી ખાતે ઉભી થનારી સવલત અંગે આપેલી જાણકારી મુજબ ૨૨૫ ટેન્ટની સુવિધા ઉભી કરાઇ રહી છે. પ્રવાસીઓ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થાના પ્રબંધ સંબંધે પણ ચર્ચા કરાઇ હતી.

Previous articleકિલર સ્વાઈન ફ્લુથી વધુ ૩ મોત : સેંકડો સારવાર હેઠળ
Next articleઅમદાવાદ : GMDC ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ