કાર્તિ ચિદમ્બરમની ૫૪ કરોડની સંપત્તિ જપ્ત થઈ

667

આઈએનએક્સ મિડિયા કેસમાં ઇડી દ્વારા પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સામે આક્રમક કાર્યવાહી કરી છે. ઇડીએ કાર્તિ ચિદમ્બરમની ભારત અને વિદેશમાં રહેલી ૫૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આમા તેમના બેંક ખાતાઓ પણ સામેલ છે. હાલમાં જ એરસેલ-મેક્સિસ કેસમાં પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમને રાહત મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૮મી ઓક્ટોબરના દિવસે દિલ્હીની એક કોર્ટે સીબીઆઈ અને ઇડી તરફથી દાખલ કરવામાં આવેલી એરસેલ-મેક્સિસ મામલામાં અરજીને લઇને મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. આની સાથે જ પહેલી નવેમ્બર સુધી પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તી ચિદમ્બરમને રાહત પણ આપી દેવામાં આવી હતી. હવે કોર્ટના આદેશ મુજબ પહેલી નવેમ્બર સુધી પી ચિદમ્બરમ અને પુત્ર કાર્તિને જેલ ભેગા કરાશે નહીં. ખાસ સીબીઆઈ જજ ઓપી સૈનીએ મામલાની સુનાવણી માટે હવે પહેલી નવેમ્બરની તારીખ નક્કી કરી હતી. તે વખતે સીબીઆઈ અને ઇડી તરફથી રજૂ થયેલા વકીલે આ મામલામાં સ્થગનની માંગણી કરી હતી. સીબીઆઈના વકીલ એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતા અને ઇડીના વકીલ નીતેશ રાણાએ કોર્ટને કહ્યું હતું કે, ચિદમ્બરમના વકીલો પીકે દુબે અને અર્શદીપ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી ઉપર વિસ્તૃત જવાબ આપવા માટે તથા ચર્ચા માટે એજન્સીઓને વધુ સમયની જરૂર છે. ૧૯મી જુલાઈના દિવસે સીબીઆઈ તરફથી દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ચિદમ્બરમ અને તેમના પુત્ર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. એજન્સીના ખાસ ન્યાયાધીશની સામે પુરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. જે સંદર્ભમાં આગામી સુનાવણીના દિવસે વિચારણા હાથ ધરવામાં આવશે.

Previous articleગંગા માટે સતત આમરણાંત ઉપવાસ કરી રહેલ સ્વામી સાનંદનું નિધન
Next articleહિઝબુલ કમાન્ડર મન્નાન વાનીને આખરે ઠાર કરાયો