યુએસ ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહેલું ચક્રવાત માઇકલ બુધવારે બપોરે ફ્લોરિડાના મેક્સિકો બીચ પર ત્રાટક્યું હતું. માઇકલ ફ્લોરિડાના રાજ્યોના તટ સુધી પહોંચી ગયું છે. બુધવારે રાત્રે કેટગરી-૪માં ફેરવાયેલું ચક્રવાત માઇકલ વધુ શક્તિશાળી બની ગયું છે. ફ્લોરિડાના ગવર્નર રિક સ્કોટે કહ્યું કે, આ અકલ્પનીય વિનાશની ચેતવણી છે. તેઓએ તેને ૧૦૦ વર્ષમાં સૌથી ખરાબ વાવાઝોડું ગણાવ્યું છે.
મધ્ય અમેરિકામાં ગત સપ્તાહના અંતમાં વાવાઝોડાંમાં ભારે વરસાદ અને પૂરના કારણે ૧૩ લોકોનાં મોત થયા હતા. આ વાવાઝોડું ૨૫૦ કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
ચક્રવાત માઇકલ બુધવારે કેટેગરી-૪માં ફેરવાઇ ગયું હતું, જેના કારણે ફ્લોરિડા અને આસપાસના વિસ્તારોમાં ૨૫૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જો કે, ફ્લોરિડા પહોંચતા સુધી માઇકલ કેટગરી-૩માં હતું અને ફ્લોરિડામાં ત્રાટક્યાં બાદ તે ફરીથી કેટગરી-૧માં ફેરવાઇ ગયું છે.
મુખ્ય રસ્તાઓ પૂરના પાણીમાં ડૂબી ગયા છે, મોટાં મોટાં વૃક્ષો પણ ઉખડી ગયા છે. ’રાક્ષસી ચક્રવાત’ માઇકલ અંદાજિત ૨ વાગ્યે મેક્સિકો બીચ પહોંચ્યુ હતું.
વાવાઝોડાંમાં જ્યોર્જિયાના એક ૧૧ વર્ષના બાળક સહિત બે લોકોનાં મોત થયા છે. સિમોન કાઉન્ટીમાં બાળક પર વૃક્ષ પડતાં તેનું મોત થયું હતું. જ્યારે ગ્રીન્સબોરો, ફ્લોરિડામાં એક પુરૂષનું મોત થયું હતું. ફ્લોરિડા, જ્યોર્જિયા અલબામામાં અંદાજિત ૫ લાખથી વધુ મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે.