શેરબજારમાં કડાકો : સેન્સેક્સ ૭૬૦ અંક લથડ્યો, રોકાણકારોએ ૪ લાખ કરોડ ગુમાવ્યા

879

શેરબજાર આજે કત્લેઆમની સ્થિતી સર્જાઇ હતી. કારોબારની શરૂઆત થયા બાદ શેરબજારમાં હાહાકારની સ્થિતી રહી હતી. આ સ્થિતી છેલ્લે સુધી અકબંધ રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ મિનિટોના ગાળામાં જ સેંસેક્સ એક વખતે ૧૦૦૧ પોઇન્ટ ઘટીને ૩૩૭૬૦ની નીચી સપાટી પર પહોંચી ગયો હતો. જો કે કારોબારના અંત સુધી તેમાં આંશિક રિક્વરી થઇ હતી. અંતે સેંસેક્સ ૭૬૦ પોઇન્ટ ઘટીને ૩૪૦૦૧ની નીચી સપાટી પર રહ્યો હતો. ઇન્ટ્રા ડે દરમિયાન તેમાં ૧૦૩૭ પોઇન્ટનો એક વખતે ઘટાડો થઇ જતા કારોબારીઓ ચિંતાતુર દેખાયા હતા. બીી બાજુ નિફ્ટી ૨૨૫ પોઇન્ટ ઘટીને ૧૦૨૩૫ની નીચી સપાટી પર રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઘટાડો થયો હતો. ઇન્ફોસીસ અને ટીસીએસના શેરમાં ત્રણ ટકાનો ઘટાડો થયો હતો. આજે સ્થિતી એટલી ખરાબ રહી હતી કે સેંસેક્સના ૩૧ શેર પૈકીના ૨૮ શેરમાં કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફ્ટીના ૫૦ શેયર પૈકી ૪૧ શેરમાં કારોબાર નબળો રહ્યો હતો. આજે કેટલાક શેરમાં સૌથી વધારે નુકસાન થયુ હતુ. જેમાં એસબીઆઇમાં ૫.૭૪ ટકા, તાતા સ્ટીલમાં ૪.૬૦ ટકા, વેદાંતામાં ૪.૪૫ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ૪.૪૪ ટકા, ઇન્ફોસીસમાં ૩.૬૧ ટકા, તેમજ અદાણી પોર્ટસના શેરમાં ૩.૩૧ ટકાનો ઘટાડો થયો હતો. નિફ્ટીની વાત કરવામાં આવે તો ઇન્ડિયા બુલ્સ હાઉસિંહ ફાયનાન્સના શેરમાં ૯.૧૨ ટકા, બજાજ ફાયનાન્સ સર્વિસના શેરમાં ૬.૨૦ ટકાનો ઘટાડો થયો હતો.

અમેરિકામાં ફેડરલ રિઝર્વના નિર્ણયની ચારેબાજુ હાલમાં વ્યાપક ટિકા થઇ રહી છે. શેરબજારમાં ગઇકાલે બુધવારના દિવસે જોરદાર રિકવરી રહી હતી. કારોબારના અંતે બેંચમાર્ક ઇન્ડેક્સ એક ટકા ઉછળીને ઉંચી સપાટીએ રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૪૬૧ પોઇન્ટ રિકવર થઇને ૩૪૭૬૧ની ઉંચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૧૫૯ પોઇન્ટ ઉછળીને ૧૦૪૬૦ની સપાટીએ રહ્યો હતો. એશિયન શેરબજારમાં રિબાઉન્ડની સ્થિતિ રહી હતી.  દેશના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા (આઈઆઈપી)ના આંકડા જે ઓગસ્ટ મહિના માટેના છે તે શુક્રવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ઓગસ્ટ મહિના માટેના આઈઆઈપીના ડેટા અને સપ્ટેમ્બર મહિના માટેના રિટેલ ફુગાવા (સીપીઆઈ)ના આંકડા આવતીકાલે શુક્રવારે જારી થશે. જુલાઈ મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો ૬.૬ ટકાનો રહ્યો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દેખાવ શાનદાર રહ્યો હતો. કેટલાક નિષ્ણાતો માને છે કે, ઓગસ્ટ મહિનામાં પણ આઈઆઈપીના આંકડા યથાવત રહેશે જ્યારે રિટેલ ફુગાવો ઓગસ્ટ મહિનામાં સીપીઆઈ ફુગાવો ૩.૬૯ ટકા રહ્યો હતો જે ૧૦ મહિનાની નીચી સપાટી છે. અમેરિકા અને ચીન સહિતના દેશોમાં જુદા જુદા આંકડા હાલમાં જારી કરવામાં આવનાર છે. આશ્ચર્યજનક પહેલરૂપે આરબીઆઈએ તે દિવસે વ્યાજદર યથાવત રાખ્યો હતો.  અત્રે નોંધનીય છે કે, શેરબજાર  ગયા શુક્રવારના દિવસે ફરી એકવાર હચમચી ઉઠ્યું હતું. સતત ત્રીજા દિવસે ઘટાડાનો દોર જારી રહ્યો હતો. શુક્રવારના દિવસે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ બજારમાં હાહાકાર મચાવ્યો હતો. મુંબઈ સ્ટોક એક્સચેંજના ૩૦ શેર સેંસેક્સમાં ૭૯૨ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં ઘટાડો થવા માટે કેટલાક કારણો જવાબદાર દેખાઇ રહ્યા છે. જેમાં ક્રુડની વધતી જતી કિંમત, ડોલરની સામે રૂપિયામાં ઘટાડો અને અન્ય કારણો જવાબદાર છે. બજારમાં વર્તમાન સ્થિતીને જોતા હાલ સ્થિતીમાં કોઇ સુધારો થાય તેવી શક્યતા નહીંવત દેખાઇ રહી છે.

Previous articleસૌથી શક્તિશાળી ચક્રવાત માઈકલ ફ્લોરિડામાં ત્રાટક્યું : બેના મોત
Next articleઓરિસ્સા-આંધ્રપ્રદેશમાં તિતલી તોફાનથી તબાહી : ૧૦નાં મોત