ભારત સરકારનાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ‘માર્ગ સલામતી’ વિષયને ખૂબ જ ગંભીરતાથી લઈ વિવિધ પગલા લેવામા આવી રહ્યા છે. જેના ભાગરૂપે એડ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતનાં વિવિધ કલાકારોનાં સહયોગથી જુદી-જુદી ૫ એડ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યુ છે, જેનું લોન્ચીંગ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી મનસુખભાઇ માંડવિયાના હસ્તે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવેલ કે, “માર્ગ સલામતીએ મારા માટે સંવેદનાનો વિષય છે, દરેક અકસ્માત એક ઉંડા દૂખની લાગણી આપે છે સાથે જ માર્ગ સલામતી માટે વધુ જવાબદારી સાથે કામ કરવાની પ્રેરણા પણ આપે છે. વર્ષ ૨૦૧૭માં ૧.૪૬ લાખ લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશભરમાં દરરોજ ૯૮ લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાથી, ૭૯ લોકોનાં મૃત્યુ સીટબેલ્ટ ન લાગવાવાથી, ૯ લોકોના મૃત્યુ ફોન પર વાત કરતા ડ્રાઈવિંગ કરવાથી અને ૨૭૦ લોકોના મૃત્યુ ઓવરસ્પીડીંગ કરવાથી થયેલ છે. સરકારનાં પ્રયત્નોથી માર્ગ અકસ્માત મૃત્યુ ધટયા છે પરંતુ હજુ પણ આ આંકડો ખુબ મોટો છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં અકસ્માતની સંખ્યા અડધી કરવા અમે જનજાગૃત અભિયાન ઉપાડ્યુ છે.”
આ કાર્યક્રમમાં માર્ગ સલામતી માટે કાર્ય કરતા રાજયભરનાં સ્વૈચ્છિક સંગઠનોના પ્રતિનીધિઓ, સમાજસેવકો, રિક્ષા-બસ-ટેક્ષી-ટ્રક-ડ્રાઇવીંગ સ્કુલના એસોસીએશનના પ્રતિનિધિઓ, ગુજરાત સરકાર અને ભારત સરકારનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમને પણ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ ‘માર્ગ સલામતી’ જાગૃતિને રોજીંદા જીવનનો ભાગ બનાવી આ અભિયાન સાથે જોડાવા આહવાન કર્યુ હતુ. તથા આ ફિલ્મોમાં કોઇપણ જાતની ફી લીધા વિના કામ કરનાર તમામ ગુજરાતી કલાકારોનો આભાર વ્યકત કરેલ.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારનાં વાહનવ્યવહાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, તારક મહેતાના ઉલ્ટા ચશ્માના નિર્માતા આસિતકુમાર મોદી, કિંજલ દવે, આરોહી પટેલ, વિક્રમ ઠાકોર, મલ્હાર ઠાકર સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ હાજર રહેલ હતા.