ભાવનગર નાગરિક સહકારી બેંકમાં તાજેતરમાં સહકારી કાયદામાં આવેલ નવા સુધારા મુજબ બેંકના પેટાનિયમો સુધાર્યા બાદ થયેલ ચૂંટણી બાદના પ્રથમ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં બેંકના ચેરમેન પદે અઢી વર્ષની ટર્મ માટે જીતુ ઉપાધ્યાયની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ જ રીતે મેનેજીંગ ડિરેક્ટર પદે પ્રદિપભાઈ દેસાઈ તથા વાઈસ ચેરમેન પદે મહેન્દ્રભાઈ બારૈયાની વરણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત બેંકના પ્રોફેશનલ ડિરેક્ટર્સ તરીકે બેન્કીંગ ક્ષેત્રના અનુભવી માધવભાઈ માણીયા અને સહકાર ક્ષેત્રના અનુભવી અલીયારખાન પઠાણની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નિયુક્તિ કરવામાં આવી હતી. તદ્દઉપરાંત લોન કમિટી, એક્ઝી. કમિટી, ઓડીટ કમિટી, લોન કમિટી, સ્ટાફ કમિટી, રીકવર કમિટી, લીગલ કમિટી, સોના ધિરાણ ચકાસણી કમિટીની પણ વરણી કરાઈ હતી અને તેના ચેરમેન તરીકે અનુક્રમે મહેન્દ્રભાઈ બારૈયા, કમલેશભાઈ મહેતા, ધીરૂભાઈ કરમટીયા, પ્રવિણભાઈ પોંદા, પૂર્ણેન્દુભાઈ પારેખ અને દર્શનાબેન જોશીની વરણી તેમજ કમિટીના સભ્યોમાં ઉપરોક્ત ડિરેક્ટરો ઉપરાંત રફીકભાઈ મહેતર, ચૈતાલીબેન પટેલ, નિરૂબહેન પડાયાની વરણી કરવામાં આવી હતી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક શરૂ થઈ તે પહેલા તમામ ડિરેક્ટરોએ સૌપ્રથમ ડોન ચોક પાસેની હેડ ઓફિસના પ્રાંગણમાં મોરારજીભાઈની પ્રતિમાને પુષ્પઅર્પણ કરી વંદન કરી બાદમાં બેંકના બિલ્ડીંગમાં પ્રવેશ કર્યો હતો. આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક બાદ બોર્ડરૂમમાં જનરલ મેનેજર સહિત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શહેરના તમામ પક્ષોના અગ્રણીઓ, સભાસદ અગ્રણીઓ, શુભેચ્છકોએ આવીને નવા વરાયેલા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. જીતુ ઉપાધ્યાયે આ પ્રસંગે સૌનો આભાર માની સૌ કોઈના સાથ સહકારથી બેંકને વધુ પ્રગતિના પંથે લઈ જવાનો નિર્ધાર કર્યો હતો.