સર ટી. હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુની સારવાર લઈ રહેલ ૪પ વર્ષિય આધેડનું સારવાર દરમ્યાન મોત નિપજતા કુલ આંક ૧૧નો થવા પામ્યો છે.
જીવલેણ સ્વાઈન ફ્લુના રોગે ફરી એકવાર વેગ પકડ્યો છે. માત્ર ૧ર કલાકથી પણ ઓછા સમયમાં વધુ એક દર્દી દમ તોડતા અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લુથી મરણ જનારની સંખ્યા ૧૧ થવા પામી છે. સમગ્ર બનાવ અંગે સર ટી. હોસ્પિટલ સાથે સંકળાયેલ સુત્રોના જણાવ્યા અનુસાર મહુવા ગામે રહેતા ૪પ વર્ષિય આધેડને ગત તા.ર૮-૯-ર૦૧૮ના રોજ સ્વાઈન ફ્લુ વોર્ડમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં આજરોજ બપોરના સમયે તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ મોત સાથે કુલ મૃતાંક ૧૧નો થયો છે. આજે શહેરના એક ખાનગી નર્સીંગ હોમમાંથી આધેડ તથા અન્ય એક દર્દીને સ્વાઈન ફ્લુની અસર હેઠળ સ્વાઈન ફ્લુ વોર્ડમાં દાખલ કરવામાં આવતા હાલ ૧૪ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ઉપરાંત બે દર્દીઓના લેબ રીપોર્ટની રાહ જોવાઈ રહી છે તથા એક સપ્તાહ કરતા વધુ સમયથી સ્વાઈન ફ્લુની સઘન સારવાર લઈ રહેલ યુવાન તમામ તબીબ પરિક્ષણ બાદ સ્વસ્થ જાહેર થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સ્વાઈન ફ્લુ વોર્ડમાં નર્ક સમી યાતનાઓ..!
સર ટી. હોસ્પિટલના સ્વાઈન ફલુ વોર્ડમાં સારવાર લઈ રહેલ દર્દીઓ તથા તેમના સ્વજનોના જણાવ્યા અનુસાર આ જીવલેણ રોગની સારવાર પણ દોઝખથી કમ નથી. સ્વાઈન ફ્લુની જીવલેણ અને ગંભીરતાને પગલે આ વોર્ડમાં સાફસફાઈ અર્થે જતા કર્મચારીઓ પણ ડરે છે. કાચની બંધ પેટી જેવા વોર્ડમાં નિયમિતપણે સાફસફાઈ કરવામાં આવતી ન હોવા ઉપરાંત દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા ગાદલા રજાઈ સહિતની વસ્તુઓ બદલવામાં ન આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. વોર્ડમાં દર્દીઓના કફ, લાળ સહિતની ગંદકીઓ પણ દુર કરવામાં ન આવતી હોય જેને પગલે લોકોમાં ભય સાથે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.