સાબરકાંઠાના ઢુંઢર ગામ અને સુરતના ડિંડોલી વિસ્તારમાં નાની બાળકીઓ પર થયેલા બળાત્કારના કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. આ માટે બે ફાસ્ટટ્રેક જજનો નિમણૂક કરી દેવામાં આવી છે. આ માટે રાજ્ય સરકારે હાઇકોર્ટના ચીફ ન્યાયાધીશને પત્ર લખીને બે જજની નિમણૂક કરવાની વિનંતી કરી હતી.
ઢુંઢરમાં 14 મહિનાની બાળકી પર થયેલા બળાત્કાર અને સુરતના ડિંડોલી વિસ્તારમાં પાંચ-પાંચ વર્ષની બે બાળકી પર થયેલા બળાત્કાર બાદ રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે આ બંને બનાવમાં કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. તેમજ આરોપીઓને ઝડપથી ફાંસી સુધીની સજા અપાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.
આ ત્રણેય ત્રણેય કેસની ઝડપી ટ્રાયલ માટે ખાસ ફાસ્ટટ્રેક કોર્ટ જજની નિમણૂક કરી દેવામાં આવી છે. રાજ્ય વડી અદાલતે આ અંગેના જારી કરેલા જાહેરનામા અનુસાર સાબરકાંઠાની ઘટનામાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સાબરકાંઠા જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ શ્રી કે. બી. ગુજરાથી તેમજ સુરતની બે ઘટનાઓમાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સુરત જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ જજ શ્રી આર. કે. દેસાઇની નિયુકિત કરવામાં આવી છે.