ભાજપના પુરોગામી ભારતીય જનસંઘની સ્થાપના રાજનીતિના માધ્યમથી સમાજસેવાના આદર્શ સાથે કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી પણ રાજનીતિને સમાજસેવાનું માધ્યમ માનતા હતા. પરંતુ બફાટ કરવા માટે પંકાયેલા મોદી સરકારમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા રાજ્ય પ્રધાન અનંતકુમાર હેગડેએ કહ્યુ છે કે તેઓ અને તેમની પાર્ટી ભાજપ સમાજમાં સેવા કરવાના મકસદથી નહીં, પણ અહીં રાજનીતિ કરવા માટે છે.
ગુરુવારે કર્ણાટકના કરવાર જિલ્લાની જાહેરસભામાં અનંતકુમાર હેગડેના બફાટ બાદ જેડીએસના પ્રવક્તા અરિવાલગને કહ્યુ હતુ કે કેન્દ્રીય પ્રધાનની ટીપ્પણી ભાજપની સંસ્કૃતિની ઓળખ આપે છે. ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેએ કહ્યુ છે કે લોકોએ તેમની પાર્ટીનવે વોટ આપ્યા અને તેમની પસંદગીની પાર્ટીની સરકાર બનાવી. આ લોકોનો અધિકાર છે. કેટલાક લોકો કહે છે કે તેઓ રાજનીતિ કરે છે. પરંતુ અહીં તેઓ માત્ર રાજનીતિ માટે જ છે.
જો આમ ના હોત, તો તેઓ રાજનીતિમાં શેના માટે હોઈ શકે? રાજનીતિ જ આની પાછળનું કારણ છે. હેગડેએ બફાટ કરતા કહ્યુ છે કે તેઓ સાંસદ બન્યા. તેઓ રાજનીતિ સિવાય બીજું કંઈ કરી શકે તેમ નથી. આ જ તેમના વશમમાં છે. તેઓ અહીં સમાજસેવા માટે નથી. તેઓ અહીં રાજનીતિ કરવા માટે છે. માટે તેઓ તે જ કરે છે. પત્રકારો આ વાતનો જેવો અર્થ કાઢવો હોય. કાઢી શકે છે. જેડીએસ સેક્યુલરે હેગડેના નિવેદનની આકરી ટીકા કરી છે.