વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ભલે એવા દાવા કરે કે, તેમની સરકાર ભ્રષ્ટાચારને કાબુમાં લઇ રહા છે પણ છેલ્લા એક વર્ષમાં ૫૬ ટકા નાગરિકોએ જુદા-જુદા કામ માટે લાંચ આપી હતી. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા એન્ડ લોકલ સર્કલ્સ નામની સંસ્થા દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વેમાં ચોંકાવનારા તારણો આવ્યા હતા.
આ સર્વેમાં ૧.૬૦ લાખ લોકોએ જવાબ આપ્યા હતા. આ તારણો એવા સમયે આવ્યા છે કે જ્યારે દુનિયાભરનાં દેશોમાં ભ્રષ્ટાચારનાં સંદર્ભમાં ભારતનું સ્થાન ૭૯થી ગગડીને ૮૧માં સ્થાને પહોંચી ગયુ છે.
મહત્વની વાત એ છે કે, ગયા વર્ષ કરતા આ વર્ષે લાંચ આપનારાઓની સંખ્યા વધી ગઇ. આ સર્વેનાં તારણો મુજબ, ૫૮ ટકા નાગરિકોએ એમ જણાવ્યું કે, તેમના રાજ્યમાં એન્ટી-કરપ્શન હેલ્પલાઇન નથી. જ્યારે ૩૩ ટકા જેટલા નાગરિકોએ કહ્યું કે, એન્ટી-કરપ્શન રોકવા માટેની હેલ્પલાઇન વિશે તેમને કોઇ ખબર જ નથી.
આ સર્વેમાં એવું પણ બહાર આવ્યું કે, મોટાભાગનાં લોકોએ લાંચ ચૂકવી છે. આ સર્વેમાં એવું પણ તારણ આવ્યું કે, લોકોએ સૌથી વધારે લાંચ પોલીસને ચૂકવવામાં આવી અને ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને.
૨૦૧૭ની વર્ષમાં ૩૦ ટકા લોકોએ પોલીસને લાંચ આપી, ૨૭ ટકાએ સ્થાનિક નગરનિમનના અધિકારીઓને આપી, ૨૭ ટકા લોકોએ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન માટે લાંચ આપી. આ વર્ષે, ૨૫ ટકા લોકોએ પોલીસને લાંચ આપી, ૧૮ ટકા એ સ્થાનિક નગર નિગમના અધિકારીઓને લાંચ આપી અને ૩૦ ટકા લોકોએ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન માટે લાંચ આપી. સર્વેમાં જે લોકોએ ભાગ લીધો તેમાંથી ૩૬ ટકા લોકોએ કહ્યું કે, તેમનું કામ કરાવવા માટે લાંચ આપવા સિવાય બીજો કોઇ રસ્તો જ નહોતો.
૪૯ ટકા લોકોએ એમ જણાવ્યું કે, જે અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ હોય તેની સામે ખટલો ચલવવા માટે મંજુરીની જરૂર છે. આ નિયમને કારણે, ભ્રષ્ટાચાર વધશે. કેમ કે, ભ્રષ્ટ અધિકારીઓ છૂટી જશે અને તેમની સામે કોઇ દિવસ ખટલો ચાલશે જ નહીં.