હૈદરાબાદ ખાતે શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આજે વેસ્ટઇન્ડિઝની ટીમે પ્રમાણમાં વધુ સારો દેખાવ કર્યો હતો અને સંઘર્ષપૂર્ણ બેટિંગ કરી હતી. આજે રમત બંધ રહી ત્યારે વેસ્ટઇન્ડિઝે સાત વિકેટ ગુમાવીને ૨૯૫ રન કર્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે ચેસ ૯૮ રન સાથે રમતમાં હતો જ્યારે બિશુ બે રન સાથે રમતમાં હતો. કેપ્ટન હોલ્ડરે ૫૨ રન બનાવ્યા હતા. ભારત તરફથી ઉમેશ યાદવ અને કુલદીપે ૩-૩ વિકેટ ઝડપી હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર દેખાવ બેટિંગ અને બોલિંગમાં કરનાર રવિન્દ્ર જાડેજાને ૨૦ ઓવરની બોલિંગ છતાં કોઇ વિકેટ હાથ લાગી ન હતી. સારી શરૂઆત થયા બાદ વિન્ડિઝે નિયમિત ગાળામાં વિકેટો ગુમાવી હતી. ચેસ અને હોલ્ડરે ૧૦૪ રનની ભાગીદારી નોંધાવી હતી. કેરેબિયન ટીમના કેપ્ટન હોલ્ડરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ૧૧૩ સુધી વિન્ડિઝે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.ભારતે વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી.
ભારતને પ્રથમ દાવમાં નવ વિકેટે ૬૪૯ રન દાવ ડિકલેરના જવાબમાં વિન્ડિઝની ટીમ તેના પ્રથમ દાવમાં ૪૮ ઓવરમાં માત્ર ૧૮૧ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના લીધે વિન્ડિઝને ફોલોઓન થવાની ફરજ પડી હતી. ફોલોઓન થયા બાદ પણ વિન્ડિઝના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા અને એક પછી એક વિકેટો ગુમાવી હતી. વિન્ડિઝની ટીમ બીજી ઈનિંગ્સમાં ૫૦.૫ ઓવરમાં ૧૯૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ભારતે સૌથી મોટી જીત મેળવી હતી.
આ પહેલા આ વર્ષે જૂન મહિનામાં ભારતે અફગાનિસ્તાનને બેંગલોરમાં એક ઈનિંગ્સ અને ૨૬૨ રને હાર આપી હતી. ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો બંને દેશો વચ્ચે હજુ સુધી કુલ ૯૫ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૧૯ અને વેસ્ટ ઇન્ડિઝે ૩૦ ટેસ્ટ મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે ૪૬ ટેસ્ટ મેચ ્ ડ્રો રહી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલા ભારતીય ટીમ પર પ્રભુત્વ ધરાવતી હતી. જ્યારે ક્લાઇવ લોઇડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હતી ત્યારે તેમની ટીમ ખુબ શક્તિશાળી હતી. એ વખતે ભારતીય ટીમ પ્રમાણમાં નબળી હતી.
વેસ્ટ ઇન્ડિઝના બોલરોનુ પ્રભુત્વ રહેલુ હતુ.વિન્ડીઝની ટીમમાં માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટસ અને અન્ય બોલરો હતા. જે શક્તિશાળી હતા. તેમની સામે રમવામાં તો દરેક બોલરોને તકલીફ પડતી હતી. છેલ્લા ૧૬ વર્ષના ગાળામાં ભારતીય ટીમનો દેખાવ વધુ સારો રહ્યો છે.