ગાંધીનગર જિલ્લામાં એક્તા યાત્રા રથના આયોજન અંગે નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. ગાંધીનગર જિલ્લામાં તા. ૨૦ થી ૨૯ ઓકટોબર, ૨૦૧૮ તથા તા. ૧૫ થી ૨૪ નવેમ્બર, ૨૦૧૮ એમ બે તબક્કામાં યોજાનાર એક્તા યાત્રાના ચાર તાલુકાના કોઓર્ડીનેટર અને તાલુકા ઇન્ચાર્જ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.
જેમાં તાલુકા કોઓર્ડીનેટર તરીકે દહેગામ માટે જિલ્લા પુરવઠા અધિકારી દર્શનાબેન રાંક, ગાંધીનગર માટે પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઇ, કલોલ માટે પ્રાંત અધિકારી નેહાકુમારી, માણસા માટે સ્ટેમ્પ ડેયુટીના નાયબ કલેકટર જીજ્ઞાસા વેગડા તથા તાલુકા ઇન્ચાર્જ દહેગામ માટે જિલ્લા ખેતી વાડી અધિકારી ડી.પી.જાદવ, ગાંધીનગર માટે નાયબ બાગાયત નિયામક ડી.જે. પટેલ, કલોલ માટે આત્માના પ્રોજેકટ ડાયરેકટર બી. એમ. પટેલ, માણસા તાલુકા માટે જિલ્લા રજિસ્ટ્રાર શ્વેતા પટેલની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત ચાર તાલુકા માટે રથ ઇન્ચાર્જ અધિકારીઓની નિમણુંક કરાઇ છે.
નિવાસી અધિક કલેકટર એચ.એમ. જાડેજાએ સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે, એક્તા યાત્રાનું વધુ સફળ અને ધનિષ્ઠ અસરકારક આયોજન થાય તે માટે મોટી સંખ્યામાં જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારીઓ આપી છે. ત્યારે ગ્રામ્ય કક્ષાએ એક્તા યાત્રા રથના વિવિધ કાર્યક્રમો સારી રીતે યોજાય અને કોઇ પણ ફરિયાદ કે કચાશ રહે નહી તે માટે ગ્રામ્ય કક્ષાએ અસરકારક સંકલન કરવા વિવિધ સુચનો કર્યા હતા. એકતા યાત્રાના રૂટની અગાઉથી ચકાસણી કરી સ્થાનિક કક્ષાએ ગુણવત્તા યુક્ત કાર્યક્રમો થાય તે માટે વિવિધ સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં એકતા યાત્રાના નોડલ ઓફિસર અને નાયબ ખેતી નિયામક મહાવીરસિંહ વાધેલાએ એકતા યાત્રા અંગે વિવિધ સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું.