શિક્ષકોને સ્ટેમ્પ પર સોગંદનામું કરવાના હુકમથી ભારે આક્રોશ

772

રાજ્યમાં વધી રહેલી ક્રાઈમને ઘટનાઓને જોતા રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓની સલામતીને લઇ એક નવો ફતવો બહાર પાડ્‌યો છે. જે મુજબ, રાજયની તમામ ખાનગી અને પ્રાથમિક શાળાના શિક્ષકોએ જાતીય સતામણી, પોક્સો અને બાળકો પર અત્યાચારના ગુનામાં દોષિત નથી તેવી જાહેરાત કરવી પડશે. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ સેફ્‌ટીને લઈને જારી કરાયેલા આ વિવાદાસ્પદ પરિપત્રને પગલે રાજયભરના શિક્ષકોમાં ઉગ્ર આક્રોશ અને ભારોભાર નારાજગીની લાગણી ફેલાઇ ગઇ છે તો બીજીબાજુ, કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપ સરકારના આ વિવાદીત ફતવાને આકરો શબ્દોમાં વખોડી કાઢી તેને શિક્ષકોના માન-સન્માન પર કુઠારાઘાત સમાન ગણાવાયો છે. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડ્‌યા પછી એક નવો વિવાદ ઉભો થયો છે.

શિક્ષકો જાતિય ગુના, પોક્સો અને બાળકો ઉપરના અત્યાચારના હિંસક ગુનાઓમાં દોષિત નથી તેવું સોગંદનામું કરવા શિક્ષણવિભાગ દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે. એટલું જ નહી, જો કોઇ શિક્ષક દ્વારા ખોટું સોગંદનામું કરવામાં આવશે તો તેઓની સામે શિક્ષાત્મક પગલાં લેવાશે.રાજ્યના શિક્ષણ વિભાગે સ્કૂલ સેફ્‌ટીને લઇને પરિપત્ર બહાર પાડ્‌યો છે. રાજ્યની તમામ ખાનગી અને પ્રાથમિક શાળાના શિક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે, શિક્ષકોને ૨૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોગંદનામું રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓની ખાસ કરીને વિદ્યાર્થીઓની સલામતીને લઇ આ વિવાદીત પરિપત્ર જારી કરતાં વિવાદ વકર્યો છે. બીજીબાજુ, શિક્ષણ વિભાગના આવા વિવાદીત પરિપત્ર અને તઘલખી ફરમાનને લઇને કોંગ્રેસે પણ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્રને વખોડી કાઢતાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સ્કૂલ સેફ્‌ટીના નામે સરકાર શિક્ષકોના સ્વમાન ઉપર ઘા કર્યો છે. આ પરિપત્ર મારફતે ભાજપ સરકારે રાજયભરના શિક્ષકો પર અવિશ્વાસ ઉભો કરી તેનું અપમાન કર્યું છે.

વાસ્વતમાં નલિયાકાંડ જેવા કાંડ સર્જનારા ભાજપના પદાધિકારીઓ પાસેથી બાંહેધરી અને સોગંદનામા સરકારે લેવા જોઇએ, તેના બદલે ગુરૂ એવા શિક્ષકોને તેમના તઘલખી ફરમાનનો ભોગ બનાવી રહી છે, જે નિંદનીય અને શિક્ષકો પર કુઠારાઘાત સમાન કહી શકાય.

Previous articleગુજરાતમાં ફરજ પરના IAS અને IPSના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
Next articleપરપ્રાંતિયોને ધમકી સંદર્ભે વધુ ૧૦ ઝડપાયા : ધરપકડનો દોર