ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આજે વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્નોલોજી સમિટ-૨૦૧૮નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે આજનો યુવા પોતાના આગવા ઇનોવેશન્સ અને સ્ટાર્ટઅપના માધ્યમથી ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમીમાં સહભાગી થવા સંપૂર્ણ સજ્જ છે અને ડેમોગ્રાફીક ડીવીડન્ડ સ્ટાર્ટઅપ ક્રાંતિ લાવી દેશને વિશ્વગુરૂ બનાવશે. ભારતની આ સૌથી મોટી સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટમાં ૪૦ ગ્લોબલ લીડર્સ દ્વારા ભવિષ્યનું માર્ગદર્શન મળશે. એટલું જ નહી, લોકોની ડે-ટૂ-ડે ચેલેન્જીસના ઉપાયો માટે પણ આ ઇવેન્ટમાં ટેકનોલોજીના વિનિયોગ અંગે વિચાર મંથન થશે. ભારતમાં આજે અંદાજે ર૦ હજારથી વધુ સ્ટાર્ટઅપ્સે પ૦ બિલીયન યુ.એસ.ડોલરની કુલ માર્કેટ વેલ્યુનું સર્જન કર્યુ છે. મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતે ૧૮૪ સ્ટાર્ટઅપને માન્યતા આપી છે અને રાજ્ય સરકાર તરફથી ફંડ આપ્યું છે તેની વિગતો આપતાં ર૦ર૧ સુધીમાં રાજ્યમાં બે હજાર નવા સાહસ પ્રમોટ કરવા અને ૭ હજાર કરોડ રૂપિયાના રોકાણોનો લક્ષ્યાંક રાખ્યો છે. રાજ્યની ૬૦થી વધુ યુનિવર્સિટી, ૧ હજારથી વધારે શૈક્ષણિક સંસ્થાન અને લાખો વિદ્યાર્થીઓને પોલિસીનો લાભ આપવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.
આ સમીટમાં ખાસ ઉપસ્થિત રહેલાં મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ કેનેડાના કોન્સ્યુલ અને ટ્રેડ કમિશનર કેડ હેન્સલરે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ અને ટેકનોલોજીના સહારે ભાવિ આર્થિક વિકાસ માટે આ સમીટ શ્રેષ્ઠ તકો પૂરી પાડશે.
તેમણે આ સમીટને ઉભરતા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ માટે શ્રેષ્ઠ તક સમાજ ગણાવી કેનેડા અને ગુજરાત વચ્ચેના મજબૂત આર્થિક સંબંધોને મહત્વરૂપ ગણાવ્યા હતા. રાજ્ય સરકારે ત્રણ કરોડ રૂપિયાના પુરસ્કારો જાહેર કર્યાનું જણાવતા મુખ્યસચિવે માહિતી આપી હતી કે, સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ક્ષેત્રે આ માટે જે અરજીઓ મળી છે તેમાંથી બે ત્રૃતિયાંશ અરજીઓ એકલા ગુજરાતમાંથી આવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આઇટી ક્ષેત્રના રાષ્ટ્રના કુલ વિકાસમાં ગુજરાત દસ ટકાથી પણ વધારે યોગદાન આપવા સક્ષમ છે.
આ પ્રસંગે યશ બેન્ક અને જીઆઇડીસી ગુજરાત સરકાર વચ્ચે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે એમઓયુ સંપન્ન થયા હતા તથા મહાનુભાવોના હસ્તે આઇપી બુક, ‘સ્ટાર્ટઅપ ગુજરાત’ અને ‘અગ્રીમ ગુજરાતી’ કોફીટેબલ બુકનું વિમોચન અને સ્વીસ બેઇઝડ ટેકનોલોજી ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલ ઇન્ડો સ્વીસ બ્લોક ચેઇનનું લોન્ચીંગ પણ કરાયું હતું.નાસ્કોમનાં પ્રેસીડેન્ટ દેબજાની ઘોષે જણાવ્યું કે, ઉદ્યોગસાહસિકતા ગુજરાતના લોહીમાં પડેલી છે આપણે બિઝનેસ કેમ ચલાવવો તે ગુજરાતમાંથી અન્યને શિખવી શકીએ તેમ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ઉદ્યોગસાહસિકો દુનિયાને જણાવી શકે છે કે બિઝનેસ કેમ ચલાવવો. ગુજરાત આઈટી ઉદ્યોગમાં ઘણી સારી કામગીરી કરવાની તક ધરાવે છે, તેણે હબ બનવા માટે માત્ર પહેલ કરીને આગેવાની લેવાની છે. અને આ ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતા જરૂરી કૌશલ્ય વિકસાવવાનું છે. તેમણે વધુમાં જણાવ્યું કે,દેશના અર્થતંત્રમાં ગુજરાતનું પ્રદાન માત્ર ૧ ટકા જેટલુ છે, જે હું ઈચ્છા રાખુ કે ગુજરાત પડકાર ઉપાડી લે અને તેને ૧૦ ટકા સુધી પહોંચાડે. આ માટે ગુજરાત ભારે ક્ષમતા ધરાવે છે.