ભાવનગર જિલ્લો વિશાળ દરિયા કિનારાથી જોડાયેલો છે ત્યારે દરિયાઈ પટ્ટીના ગામડાઓમાં ખેતીની ફળદ્રુપતા ટકાવી રાખવી અને જમીનનું ધોવાણ અટકાવવું પેચીદો પ્રશ્ન બન્યો છે ત્યારે આ દિશામાં અસરકારક પગલા ભરવા સરકારની સાથે ખાનગી સામાજિક સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોએ પણ પ્રયાસ હાથ ધર્યા છે. જેમાં મહુવા, રાજુલા દરિયા કિનારે મેન્ગ્રુવનું વૃક્ષારોપણ કરીને જમીનનું ધોવાણ અને ફળદ્રુપતા ટકાવી રાખવા કે.પી. એનર્જી અને પ્રકૃતિ નેચર ક્લબ દ્વારા ૩૧,૦૦૦ મેન્ગ્રુવના છોડનું વાવેતર કરવા સામુહિક વૃક્ષારોપણનું અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન તા.પ થી શરૂ થયું છે જે આગામી દિવસોમાં પણ લગાતાર ચાલુ રહેશે.
મેન્ગ્રુવના સામુહિક વૃક્ષારોપણને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, વનમંત્રી ગણપતસિંહ વસાવા અને ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ સહિતે કે.પી. એનર્જી સહિત આ કાર્યમાં જોડાયેલા તમામને શુભેચ્છા પાઠવી છે. તાજેતરમાં મહુવાના ખરેડ ગામે દરિયા કિનારે પીંગળેશ્વર મહાદેવના સાનિધ્યમાં પર્યાવરણ બચાવો કાર્યક્રમ યોજી કે.પી. એનર્જીએ પ્રકૃતિ નેચર ક્લબના સહયોગથી મેન્ગ્રુવનું સામુહિક વૃક્ષારોપણ કર્યુ હતું. આ સમયે મહુવાની રાધેશ્યામ બી.એડ. કોલેજ, એમ.એન. હાઈસ્કુલ, જે.પી. પારેખ હાઈસ્કુલ, સ્વામિનારાયણ ગુરૂકુળ હાઈસ્કુલ, ખરેડ પ્રાથમિક શાળા સહિતની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, સંચાલકો અને શિક્ષકગણ આ અભિયાનમાં જોડાયા હતા. આ પ્રસંગે મહુવાના ધારાસભ્ય આર.સી. મકવાણા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા. આગામી દિવસોમાં કતપર, નિકોલ, ખેરાપટવા, કથીવદર સહિતના ગ્રામ્ય વિસ્તારના દરિયા કિનારે મેન્ગ્રુવનું વૃક્ષારોપણ કરાશે.