અમેરિકામાં ફ્લોરિડામાં ત્રાટકેલા પ્રચંડ માઇકલ વાવાઝોડાના પરિણામ સ્વરુપે મોતનો આંકડો આજે ૧૧ ઉપર પહોંચ્યો હતો. મોટી સંખ્યાાં મકાનો, માર્ગો પુરના પાણીમાં ડુબી ગયા છે. મેક્સિકો કોસ્ટમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. જો કે, માઇકલ ત્રાટક્યું ત્યારે તેની કેટેગરી ચાર હતી જેને મોડેથી એકમાં ફેરવી દેવામાં આવી હતી. વહીવટીતંત્રનું કહેવું છે કે, મોતનો આંકડો વધી શકે છે. ૧૦ લાખથી વધુ લોકો અંધારપટ હેઠળ આવી ગયા છે. ફ્લોરિડાથી લઇને વર્જિનિયા સુધી લોકોની હાલત કફોડી બની છે.
મેક્સિકો બીચ, ફ્લોરિડામાં સૌથી વધારે નુકસાન થયું છે. ફ્લોરિડાના અધિકારીઓએ કહ્યું કે, માઇકલના કારણે ૨૫૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. કાઉન્ટીના નોર્થ પેનહેન્ડલ વિસ્તારમાં અંદાજિત એક દાયકામાં આવેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. સ્થાનિક સમયાનુસાર રાત્રે આઠ વાગ્યે ’માઇકલ’ કમજોર થઇને કેટેગરી-૧માં ફેરવાઇ ગયું છે અને આ દરમિયાન ૯૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. મેક્સિકોની સામે આવેલી તસવીરો અને વીડિયોમાં તબાહીનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં પાણીથી ભરેલી સડકો પર ઘર તરતા અને કેટલાંક ઘરો પાયમાંથી જ ઉખડી ગયા હતા. જ્યારે કેટલીક મકાનોની છત ઉખડી ગઇ હતી. સડકો પર કાટમાળનો ઢગ તરતો જોવા મળ્યો. માઇકલ વાવાઝોડાંના કારણે ફ્લોરિડામાં અત્યાર સુધી સાત લોકોનાં મોત થયા છે. જેમાં ૧૧ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. માઇકલના કારણે દરિયામાં ૧૪ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જેના કારણે દરિયાકાંઠાના મકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. ફ્લોરિડા ઓથોરિટી અનુસાર, વાવાઝોડાંમાં ૩,૫૦૦ લોકોનાં ૧,૦૦૦ મકાનો ધરમૂળથી પડી ભાંગ્યા છે. માઇકલ સૌથી પહેલાં મેક્સિકો બીચ પર ત્રાટક્યું હતું. જેના કારણે ટૂરિસ્ટ ટાઉન પેનહેન્ડલમાં સૌથી વધુ નુકસાન થયું છે. વાવાઝોડાંમાં રસ્તાઓ ખરાબ થઇ ગયા છે. બીજી બાજુ બ્રિટનમાં પણ વાવાઝોડુ ત્રાટક્યું છે. અહીં ત્રાટકેલા વાવાઝોડાનું નામ કોલમ રાખવામાં આવ્યું છે. કારડિફ અને એક્સટર એરપોટ્ર્સ પરથી ડઝનથી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. બેલફાસ્ટ સિટીમાં ૨૫ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. જ્યારે એરલાઇન એક્સિંગમાં ૫૪ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. કોલમ વાવાઝોડાંનાં કારણે મોટાંભાગની સ્કૂલો બંધ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોલમ યુકેમાં આવેલું સિઝનનું ત્રીજું વાવાઝોડું છે. વેસ્ટર્ન પાવર ડિસ્ટ્રિબ્યુશન અનુસાર, આર્યલેન્ડ, કોર્ક, કેરી અને ડોનેગલ સહિત અંદાજિત ૩૦,૦૦૦ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન સાઇડ યુકેમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. કોલમ વાવાઝોડાંનાં કારણે સાઉથ-વેસ્ટ ઇંગ્લેન્ડ અને રિપબ્લિક ઓફ આર્યલેન્ડમાં ૧થી ૫ ઇંચ વરસાદ થવાની આગાહી છે.