ઓરિસ્સા અને આંધ્રમાં ભારે નુકસાન : બંગાળ પર ખતરો

1453

ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં તિતલી વાવાઝોડાના પરિણામ સ્વરુપે મોતના આંકડામાં વધારો થયો છે. અલબત્ત આ વાવાઝોડુ હવે નબળું પડી ગયું છે પરંતુ પાછળ ભારે નુકસાન છોડી ગયું છે. એક બાજુ ઓરિસ્સામાં તિતલી તોફાનના કારણે મોતનો આંકડો ત્રણ થયો છે. ગંજામમાં બેના મૃતદેહ મળી આવ્યા છે. એનડીઆરએફ અને અન્ય ટીમો હજુ પણ સક્રિય થયેલી છે. બીજી બાજુ આંધ્રપ્રદેશમાં મોતનો આંકડો ૮ ઉપર પહોંચ્યો છે. માછીમારોને હજુ પણ સલાહ આપવામાં આવી છે. બીજી બાજુ ઓરિસ્સામાં ભારે વરસાદથી પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગંજામ, રાયગાડા અને ગજપતિના ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા થઇ ગયા છે. આંધ્રપ્રદેશમાં પણ મોટી સંખ્યામાં લોકો અંધારપટ હેઠળ આવી ગયા છે. તમામ જગ્યાઓએ સ્થિતિ સુધારવાના પ્રયાસ થઇ રહ્યા છે. બીજી બાજુ કોલકાતાથી પ્રાપ્ત અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે.

તિતલી વાવાઝોડુ ડિપડિપ્રેશનમાં ફેરવાઈને ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. બંગાળમાં તેની અસર જોવા મળશે. કોલકાતામાં પણ ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત બંકુરા, પુરુલિયામાં પણ ભારે વરસાદ થઇ શકે છે. ઓરિસ્સાના મુખ્ય સચિવ આદિત્ય પ્રસાદે કહ્યું કે ગંજમ જિલ્લામાં રેસ્ક્યૂ માટે નેવીના બે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે શુક્રવારે બેઠક કરી અધિકારીઓ પાસેથી પૂરની સ્થિતિની જાણકારી લીધી હતી.પટનાયકે અધિકારીઓને તાત્કાલિક ધોરણે પૂર પ્રભાવિત વિસ્તારોમાં લોકોને બચાવવા અને વિજળી તેમજ અન્ય આપતકાલિન સેવાઓ ઉપલબ્ધ કરાવવાના આદેશ આપ્યાં હતા. તેઓએ પાક અને ઘરોને થયેલાં નુકસાનનો રિપોર્ટ સાત દિવસમાં રજૂ કરવાનું પણ કહ્યું હતું.રાજ્યમાં બેથી ત્રણ લોકો માર્યા ગયા હોવાના પણ સમાચાર છે. વનસાધરા, રુસિકુલ્યા અને જલાકા નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લાં ૨૪ કલાકમાં ઓરિસ્સાના ૧૬ બ્લોકમાં ૨૦-૩૦ સેમી અને ૬૦ બ્લોકમાં ૧૦-૨૦ સેમી વરસાદ નોંધાયો છે.પૂર્વી તટીય રેલવેએ વરસાદ અને પાણી ભરાવવાને કારણે ૧૬ ટ્રેન રદ કરી છે. જ્યારે ૯ના રૂટ બદલ્યાં છે.આંધ્રપ્રદેશમાં શ્રીકાકુલમ જિલ્લો તિતલીથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં ૨૪ કલાકમાં ૮ લોકોના જીવ ગયા છે. તંત્રના જણાવ્યા મુજબ હજારો ઘર નષ્ટ થઈ ગયા છે. રેસ્ક્યૂનું કામ તેજીથી ચાલી રહ્યું છે. રાહત સામગ્રી મોકલવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Previous articleરાહુલના દુષ્પ્રચારથી હકીકત બદલાશે નહીં : પીયુષ ગોયેલ
Next articleવેજિટેરિયન બનવા માટે દરેક જણને ન કહી શકાય