ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી હાલ તેની કરિયરના સુવર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં તેણે ૪૫ રન બનાવ્યા હતા. આ દરમિયાને તેણે એક નવો કીર્તિમાન રચ્યો હતો.
કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારો પ્રથમ એશિયન કેપ્ટન બની ગયો છે. કોહલીએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટમ મિસબાહ ઉલ હકનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. મિસબાહે ૫૬ મેચમાં ૫૧.૩૯ની સરેરાશથી ૪૨૧૪ રન બનાવ્યા હતા. જેમાં તેણે ૮ સદી પણ ફટકારી હતી. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ૪૨ મેચમાં ૬૫.૧૨ની સરેરાશથી ૪૨૩૩ રન નોંધાવ્યા છે. જેમાં તેણે ૧૭ સદી પણ ફટકારી છે. કોહલીની આ એવરેજ વિશ્વના તમામ કેપ્ટનોમાં સર્વશ્રેષ્ઠ છે. કેપ્ટન તરીકે સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ગ્રેમ સ્મિથના નામ પર છે.