મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની શાળાઓમાં ડિજિટલ ક્રાંતિના પગરણ રૂપ જ્ઞાનકુંજ પ્રોજેકટનો શિક્ષક દિને રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા જાહેર કર્યુ કે, રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં ફેબ્રુઆરીમાં જે વિવિધ યોજનાઓ જાહેર કરી હતી તે બધી જ સપ્ટેમ્બર માસ સુધીમાં કાર્યાન્વિત કરી દીધી છે. રૂ. ૩પ.૮પ કરોડના ખર્ચે જ્ઞાનકુંજ પ્રોજેકટના આરંભથી રાજ્યની ૧૬૦૯ શાળાઓના ધોરણ-૭ અને ૮ ના ૩૧૭૩ વર્ગખંડોના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્ટુડન્ટ બનાવવા છે. શાળા દીઠ રૂ. ર લાખ રર હજારના ખર્ચે આ પ્રોજેકટ શરૂ થયો છે.
વિદ્યાની દેવી મા સરસ્વતીના હાથમાં વીણા રહેલી છે તેમ ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓના હાથમાં ટેબ્લેટ જેવા અદ્યતન ઉપકરણોથી વિશ્વનું શ્રેષ્ઠ જ્ઞાન તેની આંગળીના ટેરવે મૂકયું છે. ડિજિટલ ક્રાંતિની આ શરૂઆત ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને નવી ઊંચાઇ તથા પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને પાર પાડશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ જ્ઞાનકુંજ પ્રોજેકટનો પ્રારંભ ગાંધીનગરના શાહપુરની પ્રાથમિક શાળાથી કરાવ્યો હતો. મુખ્યસચિવ ડૉ. જે.એન.સિંહ તથા શિક્ષણ અગ્રસચિવ સુનયના તોમર, ગુડા અધ્યક્ષ આશિષ દવે અને શાળા પરિવાર આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ શાહપુર શાળાના વર્ગખંડમાં જઇને વર્ચ્યુઅલ કલાસરૂમ ર્લનિંગની ગતિવિધિઓનું સ્વયં નિરીક્ષણ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
આજના બદલાતા યુગમાં વિદ્યાર્થીઓની પુસ્તકીયા જ્ઞાન કરતાં જોઇને શિખવાની ઉત્કંઠા વધુ પ્રબળ બની છે. બાળકો અભ્યાસમાં ઇતિહાસ, ભૂગોળ જેવા ગહન વિષયોમાં રસ લેતા થાય તેમજ વિશ્વની ગતિવિધિઓ પણ જાણી શકે તે માટે લેપટોપ, ઇન્ટરનેટ, ટેબ્લેટથી તેમને સરકારે સજ્જ કર્યા છે.
ગુજરાતની સરકારી શાળાનો વિદ્યાર્થી પણ વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી ઊભો રહી શકે તે માટે સમયાનુકૂળ જ્ઞાન તેને આપવા દફતર નહિ ટેબ્લેટ અને કલાસ રૂમમાં બ્લેક બોર્ડ નહિં સ્ક્રીન બોર્ડની સુવિધા આ વર્ચ્યુઅલ કલાસ રૂમમાં આપી છે. રાજ્યની પપ૦ શાળાઓને પ્રથમ તબક્કે જ્ઞાનકુંજ તહેત આવરી લઇ રાજ્યભરની ધોરણ પાંચથી ૯ ની તમામ શાળાઓને ક્રમશઃ સાંકળી લેવી છે.
આ જ્ઞાનકુંજ પ્રોજેકટમાં પ્રોજેકટર, ઇન્ફ્રારેડ કેમેરાજેવા વિવિધ ટેકનોલોજીયુકત સાધનોથી બાળકોમાં જ્ઞાન ઉર્જીત કરવા શિક્ષકોએ પણ તાલીમ મેળવીને તત્પરતા દાખવી છે તેની પ્રશંસા કરી હતી. શિક્ષણમાં આમૂલ ક્રાંતિનો આ ગુજરાત પ્રયોગ દેશનો દિશાદર્શક બનશે અને રાજ્યની વિકાસયાત્રા સોળે કળાએ ખીલી ઉઠશે. રાજ્ય સરકારે કન્યા કેળવણી, ગુણોત્સવ, શિક્ષકોની પારદર્શી ભરતી, ફિકસ પગારદાર શિક્ષકોને પૂર્ણ વેતન જેવા શિક્ષણ સુધારણા અભિગમની પણ વિસ્તૃત ભૂમિકા આપી હતી.
સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર સંદિપકુમાર સિંઘે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, ૨૧મી સદીએ ડિજિટલ યુગની સદી છે. ત્યારે ડિજિટલ ક્ષેત્રે ગુજરાતે નવતર પહેલ કરીને ‘જ્ઞાનકુંજ’ પ્રોજેકટના માધ્યમ દ્વારા દેશને નવો રાહ આપ્યો છે. તેમણે કહયું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વર્ષ-૨૦૧૭-૧૮ના બજેટમાં જ આ પ્રોજેકટ માટે પૂરતા નાણાં ફાળવ્યા હતા. જેના થકી રાજ્યની ૧૬૦૯ શાળઓમાં આ પ્રોજેકટ અમલી બનશે. આજથી ૧૨ જિલ્લાની ૫૦૮ શાળાઓમાં આ પ્રોજેકટ શરૂ થઇ રહ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત ધોરણ ૫ થી ૮ના તમામ વિષયોના અભ્યાસક્રમનું ઇ-કન્ટેન્ટ ઉપલબ્ધ છે. જેના થકી અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને શીખવાડાશે. સ્માર્ટ બોર્ડ, ટેબ્લેટ દ્વારા અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ મળતાં રસપ્રદ બનશે. જેના ઘણાં સારા પરિણામો મળશે. અને શિક્ષણનો સ્તર ઉંચું આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.