ભારતના યુવાનોમાં બૌદ્ધિક ક્ષમતા છે અને ઈનોવેશન માટે પણ આગવી સુઝ-બૂઝ છે ત્યારે ‘‘મેઈક ઈન ઈન્ડિયા’’ના નિર્માણમાં દેશના યુવાનો દ્વારા હાથ ધરાયેલા ઈનોવેશન અને સ્ટાર્ટઅપ જાહેર જીવનના સેવાકીય ક્ષેત્રો માટે અત્યંત ઉપયોગી નિવડશે.
આજે ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ-ર૦૧૮ અંતર્ગત દેશભરમાંથી પધારેલા યુવાઓ દ્વારા હાથ ધરાયેલ ઈનોવેશનમાં વિજેતાઓને એવોર્ડ આપતા નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા યુવાઓને પ્રોત્સાહન આપવા માટે આઈ-ક્રીએટ થકી જે તકો પૂરી પાડી છે તે આવનારા સમય માટે અત્યંત ફળદાયી નિવડશે. તેમણે કહ્યું કે, વૈશ્વિક સ્તરે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે દેશના યુવાઓને પણ આ ક્ષેત્રે વધુ તક મળે તે માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સ્ટાર્ટઅપ અને ઈનોવેશન માટે જે પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવી રહ્યાં છે તેનો યુવાઓ મહતમ ઉપયોગ કરે તે અત્યંત જરૂરી છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારે આ ક્ષેત્રે રૂ. ૨.૫૦ કરોડથી વધુ રકમના એવોર્ડ આપીને દેશનું એકમાત્ર રાજ્ય બનવાનું ગૌરવ ગુજરાતે મેળવ્યું છે. ગુજરાતે યુવાનોને શિક્ષણની સાથે ઈનોવેશનની તકો પણ પૂરી પાડે છે.
સમગ્ર વિશ્વમાં કોઇને કોઇ નવું કરવાની તમન્ના, ધગશ સાથે આવેલા યુવા સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ક્ષેત્રના નવોન્મેષી યુવાઓ સાથે વૈચારિક આદાન-પ્રદાનથી ભારતને સ્ટાર્ટઅપ ઇનોવેશન્સ અને ટેકનોલોજીમાં અવ્વલ બનાવવા યુવા શક્તિને આહવાન કર્યુ હતુ.
પટેલે કહ્યું કે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ રાજયના યુવાનોને તક મળે અને તેઓ પણ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ક્ષેત્રે કામ કરે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અન્ય રાજયોના અનુભવો અને સંશોધનોનું આદાન-પ્રદાન થાય તે માટે આ સમિટનું રાજય સરકારે આયોજન કર્યું છે તે દેશ અને દુનિયાને ટેકનોલોજી ક્ષેત્રે ચોક્કસ નવું બળ પુરૂ પાડશે. તેમણે અન્ય રાજ્યોમાંથી આવેલા યુવાનો દ્વારા હાથ ધરાયેલ ઈનોવેશન-સ્ટાર્ટઅપ માટે યુવાનોને અભિનંદન આપી નવી તકો અને સંશોધનો કરવા અનુરોધ કર્યો હતો.
જી.આઈ.ડી.સી.ના મેનેજીંગ ડિરેકટર ડી. થારાએ દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવાઓને અભિનંદન આપતા કહ્યું કે, આપ દ્વારા જે સંશોધનો કરાયા છે તે સામાજિક ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી નિવડશે. તેમણે રાજ્ય સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ક્ષેત્રે ઈનોવેશન માટે જે પગલાં લેવાઈ રહ્યાં છે તેનો મહતમ લાભ લેવા યુવાઓને અનુરોધ કર્યો હતો. આ સમિટમાં શિક્ષણ, સુએઝ ટ્રીટમેન્ટ સહિતના વિવિધ વિષયો પર યુવાઓ દ્વારા રજૂ કરાયા છે તે ચોકકસ સેવાકીય ક્ષેત્રે મદદરૂપ થશે. તેમણે અન્ય રાજયોમાંથી આવેલા યુવાઓને બીજી સ્ટાર્ટઅપ ટેકનોલોજી સમિટમાં ભાગ લેવા નિમંત્રણ પણ આપ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ પાઠવેલ સંદેશાનું વીડિયો દ્વારા પ્રસ્તુતીકરણ કરાયું હતું તથા ગેસીયાના વિવિક ઓબ્રાએ પ્રાસંગિક પ્રવચનમાં યુવાઓને શુભેચ્છા આપી હતી અને ટેકનોલોજી ક્ષેત્રે પણ ગુજરાત નંબર વન બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.