નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર પાસે દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની ઐતિહાસિક પ્રતિમા નિર્માણ પામી છે. આ પ્રતિમાના અનાવરણ માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસને આમંત્રણ આપવા મુંબઈ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની પ્રતિમાને ખુલ્લી મૂકીને રાષ્ટ્રને અર્પણ કરવાના છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ટિ્વટ કરીને કેવડિયા કોલોની કાર્યક્રમ યોજાવાનો છે તેની જાણ ન થઈ હતી અને કાર્યક્રમ અમદાવાદ યોજાવાનો છે એવી ટિ્વટ કરી હતી.
આ પ્રતિમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલની ૧૪૩મી જન્મ જયંતીએ રાષ્ટ્રને અર્પણ કરશે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. તેના ગુજરાત સરકારના મંત્રીઓ દેશભરના રાજ્યોના પ્રવાસે છે. જેના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રની મુલાકાત લઇને આજે દેવેન્દ્ર ફડનવીસને રૂબરૂ મળી ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ નિહાળવા તેમજ લોકાર્પણ સમારોહમાં હાજર રહેવા નિમંત્રણ પાઠવ્યું હતું.નાયબ મુખ્યમંત્રીએ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ઉંચાઈ, ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રી, મ્યુઝિયમ તથા અન્ય આકર્ષણોની ખાસિયતો વિષે માહિતી આપી જણાવ્યું કે હતું, આ પ્રતિમાના નિર્માણ માટે ૭૦ હજાર ટન સિમેન્ટ, ૧૮,૫૦૦ ટન લોખંડ, ૬,૦૦૦ ટન સ્ટ્રકચરલ સ્ટીલનો વપરાશ કરાયો છે. આ માટે દેશભરના ખેડૂતો દ્વારા ખેતી માટે વપરાયેલા ઓજારો એકત્ર કરાયા હતા અને સરદાર સાહેબની સ્મૃતિ સાથે ખેડૂતોને ભાવનાત્મક એકતાથી જોડવાનો અનેરો પ્રયાસ કરાયો છે.
‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના સ્થળે સમગ્ર દેશના તમામ રાજ્યોના રાજ્યભવનના નિર્માણ માટે ટોકન દરે જમીન ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવી આ સ્થળે તમામ રાજ્યોના રાજ્યભવન નિર્માણની પરિકલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સ્વપ્નને સાકાર કરશે.
દેશની એકતા અખંડિતતાને ટકાવી રાખવામાં સરદાર સાહેબનું અનેરૂ યોગદાન છે. સરદાર સાહેબની પ્રતિમાના સ્થળે ૨૩૦ હેક્ટરમાં ૧૭ કિ.મી. વિસ્તારમાં દેશ-વિદેશના ફૂલોની ફલાવરવેલી, વિવિધ રાજ્યના અતિથિભવનનું પણ નિર્માણ થશે. જેના થકી આ સ્મારક એક આગવું પ્રવાસન સ્થળ બની રહેશે અને રોજના ૧૫ હજારથી વધુ પ્રવાસીઓ સ્થળની મુલાકાત લે એવી સંભાવના છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે ટેન્ટ સિટીનું પણ નિર્માણ રાજ્ય સરકાર દ્વારા કરાશે. આ સમગ્ર સુવિધાઓ થકી આ સ્થળ વિશ્વકક્ષાનું અજોડ પ્રવાસનધામ બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતીઓ તથા મહારાષ્ટ્ર વાસીઓએ પણ ગુજરાતના આ પ્રતિનિધિ મંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રતિનિધિ મંડળે તેમની સાથે પરામર્શ કરીને તેઓને પણ ગુજરાત આવવા આમંત્રણ આપ્યું હતું.