જૂનાગઢના કેર સેન્ટરમાં બીમાર સિંહની સારવાર બાદ તાજેતરમાં જ રસીકરણ કરાયા બાદ સિંહને દેવળિયા ખસેડવામાં આવ્યા છે ત્યારે સિંહના મોટી સંખ્યામા થયેલા મૃત્યુ અને હજુ પણ કેટલાક સિંહમાં વાઈરસ ઇન્ફેક્શન હોવાની શક્યતાના પગલે સાસણ ગીર સહિત જૂનાગઢના ગિરનાર જંગલ વિસ્તારમાં આગામી બે દિવસ પછી તા.૧૬ ઓકટોબરથી સિંહદર્શન શરૂ થશે. તેમાં આ વર્ષથી જૂનાગઢનો કેટલોક વિસ્તાર ઉમેરાયો છે. જો કે, આ વખતે ગીરમાં ૨૩ સિંહોની હૃદયદ્રાવક ઘટનાને લઇ સિંહદર્શનના મામલે પર્યટકોમાં ભારે સહાનુભૂતિ અને સંવેદનાનો માહોલ જોવા મળશે. દેશ-વિદેશમાંથી હજારો પર્યટકો એશિયાટિક લાયન અને વનરાજનો ઠાઠ જોવા પધારશે. ઈન્દ્રેશ્વરથી પાતુરણ રાઉન્ડ વિસ્તારમાં રોજની દસ પરમિટ આપવામાં આવશે અને તેનું ઓનલાઈન બુકીંગ થશે. જેના કારણે અનેક વન્યપ્રમીઓ નારાજ છે. સાસણમાં દર વર્ષે સિંહદર્શન કરવા દેશ-વિદેશથી હજારો પર્યટકો આવે છે. વેકેશન તથા તહેવારની સિઝન દરમ્યાન તો પરમિટ ઓછી પડે છે. ઈન્દ્રેશ્વરથી પાતુરણ રાઉન્ડ સુધીના રૂટની સિંહદર્શન માટે મંજૂરી વન વિભાગે આપી દીધી છે. ગિરનાર જંગલ ૧૮૦ ચો.કિ.મી. વિસ્તારમાં આવેલું છે. તેમાંથી ૩૫થી ૩૮ ચો.કિ.મી. વિસ્તાર સિંહદર્શન માટે નક્કી કરવામાં આવ્યો છે, જેમાં રોજ સવારે પાંચ તથા સાંજે પાંચ-પાંચ પરમિટ આપવામાં આવશે. તેના માટે સાસણની જેમ ઓનલાઈન બુકીંગ થઈ શકશે.
ગિરનાર જંગલ વિસ્તારમાં ૫૦ જેટલા સિંહનો વસવાટ તા.૧પ જૂનથી ચોમાસાની શરૂઆત થતાં જ તમામ પ્રવાસીઓ માટે ગીર જંગલમાં સિંહદર્શન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. ચાર માસ ગીર જંગલ બંધ રહ્યા બાદ હવે તા.૧૬મી ઓકટોબરથી સિંહ સહિતના વન્ય પ્રાણીઓનું વેકેશન પૂર્ણ થઇ જશે. સિંહદર્શન માટેની ઓનલાઇન પરમિટ અગાઉથી જ બુક થઇ છે. સિંહદર્શન માટેની હવે પ૦ ટકા પરમિટ ઓનલાઇન ઉપલબ્ધ છે, પરંતુ વેકેશન ખૂલે એ પૂર્વે જ ઓનલાઇન પરમિટ બુક થઇ ગઇ છે.
આગામી દિવાળી વેકેશન પર તો સાસણમાં સિંહદર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી પડશે. તાજેતરમાં જ ગીરમાં ર૩ સિંહના માટે બીમારીના કારણે થયા છે. આ વાતને હજુ લાંબો સમય પણ થયો નથી એટલું જ નહીં સિંહનું સ્વાસ્થ્ય હવે સંપૂર્ણપણે ખતરાથી બહાર છે કે કેમ એ બાબતે પણ તંત્ર દ્વારા કોઈ ગ્રીન સિગ્નલ અપાયું નથી. આ અંગે વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે જે સિંહો સારવાર હેઠળ છે તે રેસ્ક્યુ સેન્ટરમાં છે. જે સિંહ સ્વસ્થ છે તે જ જંગલમાં છે. માનવીઓથી તેમને કોઈ ખતરો નથી. તેમનું રસીકરણ થઈ ચૂક્યું છે અને તમામ સિંહો સ્વસ્થ હોવાથી તા.૧૬ ઓક્ટોબરે રાબેતા મુજબ વેકેશન પૂરું થશે. એશિયાટીક લાયનને લઇ પર્યટકોમાં સિંહો પરત્વે ભારે સંવેદના અને સહાનુભૂતિનો માહોલ છવાયો છે.