વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો એક ઈ-મેલ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઈ-મેલ દિલ્હી પોલીસ કમિશ્નરને મળ્યો છે. ઈ-મેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાના પરીણામે પોલીસ અને સુરક્ષા એજંસીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મેલ ઉત્તર ભારતમાંથી કોઈ જગ્યાએથી કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.
ભીમા કોરેગાંવ હિંસા મામલામાં પાંચ સંદિગ્ધોની ધરપકડ બાદ નક્સલીઓ તરફથી ઁસ્ મોદીની હત્યાનું કાવતરું રચવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ ખુલાસો નક્સલીઓના સંપર્કમાં રહેવાના આરોપમાં દિલ્હીથી ધરપકડ કરાયેલા રોના જૈકબ વિલ્સનની પાસે મળેલી ચિઠ્ઠીથી થયો હતો. આ પહેલા મોદી ૨૦૧૪માં જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થા વઘુ સઘન કરી દેવામાં આવી હતી. ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ પોલીસના લખનઉ કન્ટ્રોલ રૂમથી નવી દિલ્હી જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશન તુગલક રોડ, ચાણક્યપુરી અને સાઉથ એવન્યૂમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે એક વ્યક્તિએ ફોન કરીને કહ્યું કે વડાપ્રધાનના જીવને ખતરો છે અને તે વડાપ્રધાનને મારી નાખશે. એટલું જ નહીં વડાપ્રધાન આવાસમાં આગ લગાડી દેશે.