AMU વિદ્યાર્થી પર દેશદ્રોહનો કેસ દાખલ : ઉંડી તપાસનો દોર

1165

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ઉત્તરપ્રદેશ પોલીસે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના બે રિસર્ચ સ્કોલર અને કેટલાક વણઓળખાયેલા કાશ્મીરી વિદ્યાર્થીઓની સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હકીકતમાં ગઇકો શુક્રવારના દિવસે સોશિયલ મિડિયા પર વિદ્યાર્થીઓનો એક વિડિયો વાયરલ થયો હતો. જેમાં સ્વતંત્રતા માટેના નારા લગાવવામાં આવી રહ્યા હતા. એમ કહેવામાં આવે  છે આનારા કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં ઠાર થયેલા હિજબુલ લીડર મન્નાન વાની માટે લગાવવામાં આવ્યા હતા. મન્નાન એએમયુમાં રિસર્ચ સ્કોલર તરીકે હતો. તે અધવચ્ચે અભ્યાસ છોડીને ત્રાસવાદી બની ગયો હતો.

૧૩ સેકન્ડના આ વિડિયોનુ શુટિંગ યુનિવર્સિટી કેમ્પસમાં કરવામાં આવ્યુ હોવાના હેવાલને પણ સમર્થન મળી ચુક્યુ છે. આ વિડિયોમાં મન્નાનના સમર્થનમાં કેટલાક વિદ્યાર્થીઓ સ્વતંત્રતાના નારા લગાવતા નજરે પડે છે. આ વર્ષની શરૂઆતમાં તે ત્રાસવાદી સંગઠન હિજબુલમાં જોડાયો હતો.

એસએસપી અજય કુમાર સાહનીએ કહ્યુ છે કે મેડિકલ ચોકી ઇન્ચાર્જ ઇસરાર દ્વારા એએમયુમાંથી બાયોકેમિસ્ટ્રીમાંથી પીએચડી કરી રહેલા વસીમ અયુબ મલિક અને ઇતિહાસના વિદ્યાર્થી અબ્દુલ હસીદ મીર ઉપરાંત અન્યોની સામે આઇપીસીની જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બીજી બાજુ કેટલાક વિદ્યાર્થીઓની ગતિવિધી પર નજર રાખવામાં આવી રહી છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ કઠોર કાર્યવાહી કરીને પહેલાથી જ ત્રણ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે સાથે નવ વિદ્યાર્થીઓ સામે નોટીસ જારી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ મન્નાનના જનાજાની નમાજ અદા કરવાના પ્રયાસો કરી રહ્યા હતા.મન્નાન વાનીને ઠાર કરવામાં આવ્યા બાદ હેવાલ મળ્યા પછી યુનિવર્સિટીના ૧૫ વિદ્યાર્થીઓ કેનેડી હોલમાં મળ્યા હતા અને નમાજ અદા કરવાની શરૂઆત કરી હતી. મન્નાન વાનીના મામલામાં તપાસ ચાલી રહી છે. યુનિવર્સિટીને પત્ર લખીને જે જગ્યાએ નારા લગાવવામાં આવ્યા હતા તે જગ્યાના સીસીટીવી ફૂટેજની માંગ પણ કરવામાં આવી છે. યુનિવર્સિટીના પ્રવક્તા સફી કિડવાઈએ કહ્યું છે કે, મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. ૧૨ કલાકની અંદર જ રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. આ ગાળા દરમિયાન સ્થાનિક સાંસદ સતીષ ગૌત્તમે યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર તારીક મન્સુરને પત્ર લખીને વર્ષમાં એક વખત વિદ્યાર્થીઓના હોસ્ટેલ સંકુલની ચકાસણી કરવા આદેશ આપ્યો છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે, જો વિદ્યાર્થીઓને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી રહ્યા છે તો રાજીનામુ આપી શકે છે.

ત્રાસવાદી બની ચુકેલા અને હાલમાં ઠાર થયેલા મન્નાન યુવાનોને ત્રાસવાદના રસ્તે લઇ જવામાં સક્રિય થયેલો હતો. મન્નાન પરિવાર અને મિત્રોને મળતો ન હતો. પરિવારના સભ્યો દ્વારા પણ અનેક વખત ત્રાસવાદનો રસ્તો છોડી દેવા મન્નાનને કહ્યું હતું. તે પોતાના અભ્યાસ અને ક્ષમતાનો ઉપયોગ કાશ્મીરી યુવાનોને ત્રાસવાદના રસ્તે લઇ જવા કરી રહ્યો હતો. હજુ સુધી ૧૩૦થી વધુ સ્થાનિક યુવાનો ત્રાસવાદના રસ્તા પર પહોંચી ચુક્યા છે. સુરક્ષા દળોએ એન્ટી ટેરર ઓપરેશનમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. ત્રાસવાદી સંગઠનો તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે, ખીણમાં ત્રાસવાદીઓની સંખ્યા ૩૦૦થી ઓછી ન થાય.

Previous articleવડાપ્રધાન મોદીને મારી નાંખવાની ધમકીવાળો ઈ-મેલ દિલ્હી પો.કમિશ્નરને મળ્યો
Next articleદેશમાં એક સમાન સ્ટેમ્પ ડ્યુટી માટે કાનૂન બદલવા તખ્તો તૈયાર