ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય, રાજ્યના મંત્રી અને કોળી સમાજના નેતા એવા પરશોત્તમભાઈ સોલંકીએ ગ્રામ્ય બેઠક પર હું જ ચૂંટણી લડીશ અને વટથી જીતીશ તેમ આજે તેમના નિવાસસ્થાન મીરાકુંજ ખાતે બોલાવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી હવે પરશોત્તમભાઈ ચૂંટણી નહીં લડે તેના પુત્ર દિવ્યેશ કે તેના પરિવારના સભ્ય ચૂંટણી લડશે તેવી ચાલી રહેલી વાતોનું ખંડન કરતા પરશોત્તમભાઈ સોલંકીએ જણાવેલ કે, આવી અફવાઓ અને ચર્ચાઓ ખોટી છે. આ બેઠક પરથી હું જ ચૂંટણી લડવાનો છું. ર૦૧રમાં કોંગ્રેસના શક્તિસિંહને હરાવ્યા હતા. આ વખતે પણ કોઈપણ નેતા સામે વિજયી થઈશ તેવો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ પક્ષ દ્વારા કોળી નેતા તૈયાર કરાઈ રહ્યાં હોવાના પ્રશ્નના જવાબમાં જણાવેલ કે, કોળી સમાજ મારી સાથે હતો અને રહેશે. સમાજ મારી સાથે ગદ્દારી નહીં કરે તેમ જણાવ્યું હતું અને તેઓ હંમેશા સમાજ માટે ખડેપગે રહ્યાં હતા અને રહેશે. તેઓ મત વિસ્તારમાં ગામડે-ગામડે જઈને લોકસંપર્ક રહેશે તેમ જણાવેલ. જ્યારે પુત્ર દિવ્યેશને ચૂંટણી લડાવવાની તૈયચાર કરાતી હોવાની વાતો તદ્દન ખોટી હોવાનું જણાવી તે હજુ નાનો છે અને પાંચ વર્ષ પછી તેને ચૂંટણી લડાવાશે તેમ જણાવેલ. આજની પત્રકાર પરિષદમાં દિવ્યેશ સોલંકી ઉપરાંત જીતેશભાઈ શિયાળ, હસમુખભાઈ ગોહેલ, શૈલેષભાઈ રાજ્યગુરૂ સહિત ઉપસ્થિત રહ્યાં હતા.
આજે મીરાકુંજ ખાતે સ્નેહમિલન
ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મંત્રી પરશોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાન મીરાકુંજ ખાતે આવતીકાલ તા.૯ને ગુરૂવારે રાત્રિના ૮ કલાકે સ્નેહમિલન યોજવામાં આવશે. જેમાં મત વિસ્તારના કાર્યકરો, કોળી સમાજના આગેવાનો, શુભેચ્છકો અને મતદારો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહેશે અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે.