ભારતીય ટીમના ક્રિકેટર્સ અને સિલેક્શન કમિટી વચ્ચે તાલમેળ ઓછો છે એ વાત ત્યારે ઉજાગર થઈ ગઈ જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ વિજય હજારે ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલમાં ઝારખંડ માટે રમવાથી ઇનકાર કરી દીધો. મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદે બે દિવસ પહેલા સર્વજાનિક રૂપે એ જાહેરાત કરી હતી કે ધોની ઝારખંડ માટે રમશે. આ ઘટનાથી નેશનલ સિલેક્શન કમિટીને શર્મશાર થવું પડ્યું છે. જ્યારે એ સાફ થઈ ગયું છે કે સિલેક્ટર્સ અને સિનિયર ખેલાડીઓ વચ્ચે કોઈ સંવાદ થતો નથી. ખેલાડી પોતાનો કાર્યક્રમ જાતે જ નક્કી કરે છે.
ધોનીનું બેટિંગ ફોર્મ છેલ્લા બે વર્ષથી નબળું છે. તે મહારાષ્ટ્ર વિરુદ્ધ ઝારખંડ તરફથી ક્વાર્ટર ફાઇનલ મેચ રમે તેવી આશા હતી પરંતુ શનિવારે ઝારખંડના મુખ્ય કોચ રાજીવ કુમારે બેંગ્લોરમાં પત્રકારોને જણાવ્યું કે ધોનીએ ક્વાર્ટર ફાઇનલમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે જ્યારે મુખ્ય સિલેક્ટરે તેના રમવા માટે પહેલાથી જ જાહેરાત કરી દીધી હતી.
ઝારખંડના કોચ રાજીવ કુમારે કહ્યું કે, ’ધોનીને લાગે છે કે આ તબક્કે ટીમમાં જોડાવું યોગ્ય નહીં રહે કારણ કે ટીમે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તેની ગેરહાજરીમાં ટીમે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. તેથી તે ટીમનું સંતુલન બગાડવા નથી માગતો.’