એક વર્ષ પૂર્વે ગત તા.૮ નવેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અવિચારી, તઘલખી નિર્ણય લઇ ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ અચાનક બંધ કરી સમગ્ર દેશના તમામ વર્ગને આર્થિક કટોકટીમાં મુકી દિધા હતા.
આ નોટબંધીને આજે એક વર્ષ પૂર્ણ થતુ હોય તેના વિરોધમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિ દ્વારા સમગ્ર દેશમાં આજના દિવસને બ્લેક ડે ‘કાળા દિવસ’ તરીકે મનાવવાના કાર્યક્રમો આપવામાં આવ્યાં જેના ભાગરૂપે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી, મ્યુનિ.વિપક્ષના નેતા જયદિપસિંહ ગોહિલની આગેવાની હેઠળ શહેર કોંગ્રેસ કાર્યાલય, ભીડભંજન ચોક ખાતે કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો અને કોંગ્રેસના શુભેચ્છકોએ કાળી પટ્ટી ધારણ કરી, કાળા વાવટા ફરકાવી નોટબંધી અને જીએસટી ના વિરોધમાં પ્લેકાર્ડ લઇ સુત્રોચ્ચાર કરી દેખાવો યોજ્યા હતા.
કાર્યક્રમના અંતે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશીએ જણાવ્યું હતુ કે, નોટબંધીના નિર્ણય દરમિયાન સમગ્ર દેશમાંથી ૧૫૩ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે.આ તમામ સ્વર્ગસ્થોને શ્રઘ્ધાંજલી પાઠવી હતી અને જણાવ્યું હતુ કે, નોટબંધીના કારણે આજ સુધી દેશની આર્થિક કટોકટી ઉકેલાઇ નથી, દેશનું કાળુ નાણું બહાર આવ્યું નથી, દેશમાંથી ભષ્ટ્રાચાર કે આંતકવાદ દુર થયો નથી, ઉપરાંત દેશનો વિકાસદર ઘટ્યો છે, વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા છે, બેરોજગારી, ગરીબી અને ભાવવધારાએ માઝા મુકી છે.આવા સમયે સમગ્ર દેશવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે તેમ જણાવી રાજેશ જોશીએ ભાજપ સરકારની રીતીનીતી અને પ્રજા વિરૂધ્ધના નિર્ણયની જાટકણી કાઢી હતી.