જિલ્લા તંત્ર દ્વારા સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે માણસા પાલિકાતંત્ર દ્વારા અલકાપુરી સોસાયટી વિસ્તારામાં મૂકવામાં આવેલી મોટી કચરાપેટીઓ કોઈ અગમ્ય કારણોસર ઉઠાવી લેવામાં આવી છે. જેના કારણે રહીશોની હાલત કફોડી બની છે. આસપાસની સોસાયટીમાં ખુલ્લામાં જ કચરો નાંખવામાં આવતા સ્થિતી વણસી રહી છે. પાલિકાનાં આ વલણને લઇને રહીશોમાં પણ રોષ છે.
માણસાની અલકાપુરી સોસાયટીનાં આગળના ભાગે પહેલા મોટી કચરાપેટી મુકવામાં આવતા આસપાસની સોસાયટીઓનાં રહીશોને તેમાં કચરો નાંખતા હતા. જેના કારણે ખુલ્લામાં ગંદકીનો પણ અંત આવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરના તમામ વિસ્તારમાંથી આવી મોટી કચરાપેટીઓ કોઈ કારણસર તંત્ર દ્વારા ઉઠાવી લેવામાં આવી છે.
પરંતુ તેના બદલામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે કચરો ઘરમાં પણ રાખી શકતા નથી અને કયાં નાંખવો તે સમસ્યા થઇ પડી છે. સોસાયટીઓ અને ફ્લેટના લોકો એકત્રિત કરેલો કચરો અહીં નાખવાની ટેવનાં કારણે ત્યાં આવી પેટી નહીં દેખાતા ખુલ્લામાં નાખી જાય છે. જેના કારણે રખડતા પશુઓનો પણ જમવડો થઇ રહ્યો છે.
તંત્રનું ધ્યાન દોર્યાનાં ૪ દિવસ થવા છતાં તંત્ર દ્વારા તેને યોગ્ય આ દિશામાં કામગીરી કરવાનું તો ઠીક આ જગ્યાએ જોવાની પણ તસ્દી લેવામાં આવી નથી. ગંદકીનાં કારણે મચ્છોરોનો પણ ત્રાસ વધતા લોકોના આરોગ્ય સામે પણ સવાલો ઊભા થાય છે. આસપાસ દુર્ગંધ પ્રસરી રહી છે. નવરાત્રિના સાતમમાં નોરતે અલકાપુરીમાં મહાકાળી માતાજીનો ગરબો નીકળે છે. ત્યારે તાત્કાલીક આ સમસ્યાનો નિકાલ કરવાની માંગ ઉઠવા પામી છે. જયારે બીજી તરફ સાર્વજનીક બગીચામાં પણ પશુઓનો ત્રાસ વધી રહ્યો છે.