આગામી ૩૧મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ માટે તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આજે સાંજે રાજ્યના સીએમ વિજય રૂપાણી ઉત્તર પ્રદેશ જશે. અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રણ આપશે. તેમના બે દિવસીય પ્રવાસ અંતર્ગત તેઓ આજે સાંજે લખનઉ પહોંચશે. સોમવારે સવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે મુલાકાત બાદ લખનઉમાં એક જાહેર સભાને સંબોધશે.
વિજય રૂપાણી લખનઉમાં ગુજરાતી સમાજના લોકો સાથે પણ વાતચીત કરશે. તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિષયક પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેશે. તેઓ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માની પણ મુલાકાત લેવાના છે. રૂપાણી સોમવારે સાંજે ગાંધીનગર પરત આવશે.
પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ થનારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ પાઠવવા માટે હાલ રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અને નેતાઓ વિવિધ રાજ્યોના પ્રવાસે જઈ રહ્યા છે. સરદારની આ પ્રતિમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલની ૧૪૩મી જન્મ જયંતીએ રાષ્ટ્રને અર્પણ કરશે.
તમને જણાવી દઇએ કે, શનિવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસને આમંત્રણ આપવા મુંબઈ પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી સરદાર પટેલની પ્રતિમાને ખુલ્લી મૂકીને રાષ્ટ્રને અર્પણ કરવાના છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ટિ્વટ કરીને કેવડિયા કોલોની કાર્યક્રમ યોજાવાનો છે તેના પર એક ટિ્વટ કર્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકારે તૈયારીઓ પુરજોશમાં આરંભી દીધી છે. સરકારના મંત્રીઓ અલગ અલગ રાજ્યમા જઈ ત્યાના મુખ્યમંત્રી અને રાજ્યપાલને કાર્યક્રમમા હાજરી આપવા આમંત્રિત કરી રહ્યા છે.