રાજપથ ક્લબ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવ ર૦૧૮ને અભૂતપૂર્વ પ્રતિસાદ

1172

ભાવનગર શહેરમાં નવયુવાન બિઝનેસ અગ્રણી દ્વારા ખેલૈયાઓ માટે આયોજન કરેલ રાજપથ ક્લબ નવરાત્રિ મહોત્સવને શહેરીજનો દ્વારા સુંદર પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવેણાની ઓળખ કલા જગતના પિયર તરીકે થાય છે ત્યારે અત્રે વસતી ભાવસભર જનતા તમામ પ્રકારની કલા ક્ષેત્રે આગવી અભિરૂચિ ધરાવે છે. આ ભાવેણાવાસીઓ માટે પ્રતિવર્ષ નવરાત્રિ મહોત્સવ અને મનમાનીતો અવસર માનવામાં આવે છે. નવ દિવસ સુધી માત્ર નવયુવાનો જ નહી પરંતુ આબાલવૃધ્ધ સૌ કોઈમાં શક્તિ ભક્તિમાં લીન બની આદ્ય અંબાની ભક્તિનો એક પ્રકાર રાસગરબા લઈને પોતાનો શોખ તથા પરંપરાગત અવસરની ઉજવણી કરે છે. શહેરના આંગણે આ વર્ષે અલગ અલગ પ સ્થળો પર પ્રોફેશનલ ધોરણે રાસગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી શહેરના રીંગરોડ-કાળીયાબીડના પાછળના ભાગે ઝાંઝરીયા તરફ જવાના રોડ પર આવેલ રાજપથ ક્લબ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન મુળ તળાજા તાલુકાના કામરોળ ગામના વતની અને તળાજામાં હોટલ શિવરંજની તથા ભાવનગરમાં આવેલ હોટલ સંકલ્પના માલિક યજ્ઞદિપસિંહ સરવૈયા તથા તેમની ટીમ દ્વારા રાજપથ ક્લબ નવરાત્રિ મહોત્સવ ર૦૧૮નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા યજ્ઞદિપસિંહે જણાવ્યું હતું કે, અમારી ટીમ દ્વારા કરવામાં આવેલું આયોજન માત્રને માત્ર ભાવેણાની જનતાને નવરાત્રિ નિમિત્તે રાસગરબા રમવા માટે શ્રેષ્ઠ અને સુંદર સ્ટેજ મળે અને સમગ્ર નવરાત્રિ મહોત્સવ યાદગાર બનાવી શકે તે હેતુ માત્ર છે. રાજપથમાં અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ તથા સિંગરનું આગવું નામ છે. આ ઉપરાંત દરરોજ રાસ રમતા ખેલૈયાઓ માટે ઈનામોની વણઝાર રાખવામાં આવી છે. શ્રેષ્ઠ પ્રતિભા સંપન્ન ખેલંદાની પસંદગી માટે કલા જગતના શ્રેષ્ઠ વ્યક્તિઓની જજ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત અંતિમ દિવસે સૌથી અલગ અને આકર્ષક સરપ્રાઈઝ ગીફટ આપવામાં આવશે. જેમાં ૩ ડોમેસ્ટીક તથા ઈન્ટરનેશનલ ટુર પેકેજનો સમાવેશ થાય છે. રપ રાસગરબાના ગ્રુપે નવ દિવસ રમવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદની એક અગ્રગણ્ય સિક્યોરીટી કંપનીના બાઉન્સરોને જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત સમગ્ર સંકુલ સીસીટીવી કેમેરાથી સજ્જ તથા પીવાના પાણી પે એન્ડ યુઝ શૌચાલય તથા બજાર ભાવ મુજબ જ ખાણીપીણીના સ્ટોલની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સમગ્ર આયોજનને લઈને યજ્ઞદિપસિંહ સરવૈયા તથા રાજપથ ક્લબ ગ્રુપના પ૦થી વધુ સભ્યો જોડાયા છે. દરરોજ રાજકિય, સામાજીક તથા સિને જગતની ખ્યાતનામ હસ્તીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યાં છે. રાજ્યના નવરાત્રિ ગ્રુપને ભાવેણાવાસીઓ દ્વારા ખૂબ સુંદર પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે.

Previous articleપાલિતાણાના યુવાન પોલીસ કર્મી.નું વાહન અકસ્માતમાં મોત નિપજયું
Next articleતા.૧૫-૧૦-ર૦૧૮ થી ૨૧-૧૦-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય