સુરતઃ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ફરી એક દિવસના સુરત પ્રવાસે આવ્યા છે. સવારે એરપોર્ટ પર કોંગ્રેસના અગ્રણી નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીની આ મુલાકાત એબ્રોઈડરી, ડાઈંગ, પાવર લુમ્સ, ડાયમંડના વેપારીઓ સાથે મળી જીએસટી અંગે ચિતાર મેળવ્યો હતો. દરમિયાન રાહુલ ગાંધીનો આગવો અંદાજ જોવા મળ્યો હતો. પાવર લુમ્સ, એબ્રોઈડરી અને ડાયમંડ ફેક્ટરીમાં અંદરથી નિરિક્ષણ કરી માહિતી મેળવી હતી. જ્યારે ડાયમંડના કારખાનામાં હીરા ઘસ્યા હતા. અને રસ્તા પર સુરતની ફેવરીટ ડિશ લોચો, ખારી, ખમણ અને બિસ્કીટનો ટેસ્ટ લીધો હતો. સુરતમાં મોટી સંખ્યામાં હીરાના કારખાના આવેલા છે. જેમાં હીરાની ઘંટી પર કારીગરો અંગૂરથી જે રીતે હીરા ઘસે તે રીતે ડાબા હાથમાં અંગૂર પકડીને રાહુલે ઘંટી પર હીરામાં પેલ પાડ્યાં હતાં. જે પાડેલા પેલને આઈ ગ્લાસથી જોઈને એક સામાન્ય કારીગરની મુદ્રામાં રાહુલ ઘંટી પર બેઠા હતાં. સાથે હીરા ઘસવામાં થતી તકલીફોનો પણ ચિતાર રાહુલે મેળવવા પ્રયાસ કર્યો હતો. રાહુલે હીરા ઘસવાની સાથે સાથે પડતી મુશ્કેલી મહેનત અને તેના પર લાગતાં ટેક્સથી કારીગરોના જીવન પર પડતી અસરની વિષે જાત અનુભવ મેળવ્યો હતો.